Surendranagar,તા.8
સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલી સરકારી પુસ્તકાલયનું 6 સપ્ટેમ્બર ના રોજ તત્કાલીન કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુ બેરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સરકારી પુસ્તકાલય નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 1958 માં બનેલું સુરેન્દ્રનગરનું મુખ્ય પુસ્તકાલય અત્યંત તો જર્જરીત હાલતમાં બની જતા રમત ગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ ગ્રંથાલય ખાતા દ્વારા પાંચ કરોડના ખર્ચે નવું બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેમાં 230 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે બેસી અને વાંચન કરી શકે તેમજ 55,336 કરતા વધુ પુસ્તકો પણ નવીનીકરણ કરેલા સરકારી પુસ્તકાલયમાં મૂકવામાં આવ્યા હતા અને ઇ-સ્માર્ટ લાઈબ્રેરી પણ વાંચક વર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી લોકાર્પણ ને હજુ ત્રણ મહિના થયા છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લા સરકારી પુસ્તકાલયની હાલત દયનિય બની ગઈ છે સરકાર દ્વારા પુસ્તકાલયનું ડેવલપિંગ તો કરવામાં આવ્યું પરંતુ તેના જાળવણીના અભાવના કારણે અને દેખરેખ ના અભાવના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે અને પુસ્તકાલયમાં આવતા વાચક વર્ગને પણ હાલાકી ભોગવી પડી રહી છે.
સુરેન્દ્રનગરની મધ્યમાં સરકારી પુસ્તકાલય આવેલું છે પરંતુ હાલમાં અલગ અલગ પ્રકારની સરકારી ભરતીઓ આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાચક વર્ગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પુસ્તકાલયની અંદર બનાવવામાં આવેલા ટોયલેટને તાળા લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ પીવાના પાણી માટે પણ વિદ્યાર્થીઓને વલખા મારવા પડી રહ્યા છે વાંચક વર્ગ આવે ત્યારે ટોયલેટને તાળા મારેલા હોવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ મુકવામાં આવ્યા છે તે પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે પુસ્તકાલયના પાણીના નળ ખોલવામાં આવે તો તેમાં પાણી નહિ હવા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
બીજી તરફ સરકારી પુસ્તકાલયની અંદર બહેનોને બેસવા માટેની વ્યવસ્થા ન હોવાના કારણે હાલમાં જૂની બિલ્ડિંગમાં બહેનોને બેસવું પડી રહ્યું છે અને ત્યાં સરકારી ભરતી માટેના પરીક્ષાની તૈયારીઓ કરવી પડી રહી છે નવી સરકારી પુસ્તકાલય બની પણ વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો વધી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે જાળવણીના અભાવના પગલે અને મેનેજમેન્ટના અભાવના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું વિદ્યાર્થીઓ હાલ જણાવી રહ્યા છે..
પુસ્તકાલયમાં વાંચન માટે આવતા વિદ્યાર્થીઓને ટોયલેટ માટે જુના બિલ્ડીંગ નો ઉપયોગ કરવો પડી રહ્યો છે પીવાના પાણીની વ્યવસ્થા પણ જૂના બિલ્ડિંગમાં કરવામાં આવી છે આ ઉપરાંત હાલમા ભરતી પ્રક્રિયાની તૈયારીમાં ઓનલાઇન ક્લાસીસ ચાલતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે જૂની લાઈબ્રેરીમાં વાઇફાઇ ની સુવિધા હતી પરંતુ નવી લાઇબ્રેરી બનતા છેલ્લા ત્રણ મહિનાથી વાઇફાઇ પણ બંધ હાલતમાં છે.
જેને લઇને ઓનલાઇન ક્લાસીસમાં નેટ ન આવતું હોવાના કારણે વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકતા નથી ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે પણ વિચારણા કરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અને લાઇબ્રેરીમાં વાંચવા આવતા વાચકોના પ્રશ્નો નિવારવા માંગ કરવામાં આવી છે.

