New Delhi,તા.08
ઓફિસની ભાગદોડ હોય કે ચાની દુકાન, પેપર કપમાં ગરમ ચા-કોફી પીવી એ રોજિંદી જિંદગીનો હિસ્સો છે. પ્લાસ્ટિક કપના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા આ કપને પર્યાવરણ માટે વધુ સારા માનવામાં આવે છે, પરંતુ નવા રિસર્ચે આની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે.
પેપર કપની અંદરની પ્લાસ્ટિક લાઇનિંગ ગરમ પીણાના સંપર્કમાં આવતાં જ અત્યંત નાના નેનોપ્લાસ્ટિક કણો છોડી શકે છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીનાં રિસર્ચમાં પીએલએ (PLA) અને પીઈ (PE) લાઇનિંગ વાળા પેપર કપની તપાસ કરવામાં આવી.
ગરમ પ્રવાહીના સંપર્કમાં આવવાથી પીએલએ લાઇનિંગ વાળા કપમાંથી આશરે 43 લાખ નેનોપ્લાસ્ટિક કણ પ્રતિ મિલીલીટર અને પીઈ લાઇનિંગ વાળા કપમાંથી આશરે 27 લાખ કણ પ્રતિ મિલીલીટર મળી આવ્યા.
પીએલએ કપમાંથી નીકળતા પ્લાસ્ટિકનું કુલ દ્રવ્યમાન પીઈ કપ કરતાં 12 ગણું વધુ હતું. મોટાભાગના પેપર કપમાં પોલીએથિલીન અથવા પીએલએનું પાતળું પડ હોય છે.
શરીર પર અસરને લઈને ચિંતા
પર્યાવરણ નિષ્ણાત પ્રીતિ મહેશના જણાવ્યાં અનુસાર, નેનોપ્લાસ્ટિકના નાના કદને કારણે તે શરીરમાં પહોંચવાની ચિંતા છે. સોજો, ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને કોષીય ક્ષતિ જેવા સંભવિત પ્રભાવો સામે આવ્યાં છે. જોકે, આના કારણે કોઈ બીમારીની સીધી પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
પ્લાસ્ટિક કચરો પણ પડકાર
પ્લાસ્ટિક વેસ્ટ એક્સપર્ટ સ્વાતિ આર્યાના જણાવ્યાં મુજબ, અંદર પ્લાસ્ટિકનું પડ હોવાનાં કારણે પેપર કપ એ પ્લાસ્ટિક કચરાની સમસ્યાનો પૂરેપૂરો ઉકેલ નથી.
* દિલ્હીમાં રોજ આશરે 1,155 ટન પ્લાસ્ટિક કચરો નીકળવાનું અનુમાન છે,
* દિલ્હીમાં 939 ટન પ્રતિદિન નિકાલ કરવાની ક્ષમતા છે
સ્ટીલ-કાચ વધુ સારો વિકલ્પ
CSE ના સિદ્ધાર્થ ઘનશ્યામ સિંહનાં જણાવ્યાં અનુસાર, સ્ટીલ, કાચ કે સિરેમિકના વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા કપ વધુ સારો વિકલ્પ છે. દુકાનો પર કુલ્હડ (માટીના કપ) નો પણ ઉપયોગ થઈ શકે છે.
પહેલાં પણ ઊઠ્યા હતા સવાલો
2020 ની આઈઆઈટી ખડગપુરની સ્ટડીમાં ગરમ પ્રવાહીને પેપર કપમાં રાખવા પર માઇક્રોપ્લાસ્ટિક કણ નીકળવાની વાત સામે આવી હતી.

