(૧૯) ઉર્વશી નામની સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરાએ અર્જુનને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
જ્યારે પાંડવો-કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થવાનું નક્કી થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન દિવ્યાસ્ત્રો મેળવવા સ્વર્ગમાં જાય છે,તેમને લેવા માટે દેવરાજ ઇન્દ્રના આદેશથી તેમના સારથી માતલી રથ લઇને આવે છે.જ્યાં ચારે બાજુ દિવ્ય સંગીત ગૂંજી રહ્યું છે તેવા દિવ્ય વનનાં દર્શન કરી અર્જુન દેવરાજ ઇન્દ્રની પ્રિય નગરી અમરાવતીમાં પ્રવેશ કરે છે.ત્યાં ગંધર્વો અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે અને દેવતાઓ સ્વાગત-સત્કાર કરી આર્શિવાદ આપે છે.સ્વાગત ચાર કારણોથી થાય છે.સદગુણોથી,પદથી, સ્વજનોની લાગણીથી અને વ્યક્તિ પ્રત્યે ગરજ રાખનારા ગરજુ વર્ગ તરફથી.અર્જુન દેવરાજ ઇન્દ્રના ચરણોમાં મસ્તક નમાવે છે ત્યારે ઇન્દ્ર અર્જુનને આલિંગનમાં લઇ પોતાની બાજુના આસન ઉપર બેસાડે છે.સ્વર્ગમાં ચિત્રસેન પાસેથી અર્જુન નૃત્ય-વાદ્ય અને ગીતની શિક્ષા પ્રાપ્ત કરે છે.દેવરાજ ઇન્દ્ર ચિત્રસેન ગંધર્વને બોલાવીને અપ્સરાઓ માં શ્રેષ્ઠ ઉર્વશીને અર્જુનની સેવામાં નિયુક્ત કરવા સૂચના આપે છે.
ચિત્રસેન ઉર્વશી પાસે જઇને કહે છે કે સુંદરી ! જે પોતાના સ્વાભાવિક સદગુણ,શ્રી,શીલ(સ્વભાવ), મનોહરરૂપ,ઉત્તમવ્રત અને ઇન્દ્રિયસંયમના કારણે દેવતાઓ અને મનુષ્યોમાં વિખ્યાત છે.જે પોતાના મુખથી પોતાની પ્રસંશા કરતા નથી,બીજાઓનું સન્માન કરે છે,જે અહંકારશૂન્ય છે એવા વીરવર અર્જુનને તમે સારી રીતે જાણો છો,તેમને સ્વર્ગમાં આવવાનું ફળ અવશ્ય મળવું જોઇએ.દેવરાજ ઇન્દ્રની આજ્ઞા છે કે તમે આજથી અર્જુનની પાસે જાઓ અને એવી સેવા કરો કે અર્જુન પ્રસન્ન થાય.આવું સાંભળીને જ ઉર્વશીને કામભાવ જાગે છે.સ્નાન કર્યા પછી ઉર્વશીએ તેને ચમકીલા અને મનોભિરામ આભૂષણ ધારણ કરી સંન્ધ્યાકાળે ચંદ્રોદય થતાં જ્યારે ચારે બાજુ ચાંદની ફેલાઇ છે તેવા સમયે વિશાળ નિતંબોવાળી અપ્સરા પોતાના ભવનથી નીકળી અર્જુનના નિવાસસ્થાને જાય છે.ચાલતી વેળાએ સુંદર હારોથી વિભૂષિત ઉર્વશીના સ્તનો જોર જોરથી હલી રહ્યા છે.તેનો આગળનો ભાગ ખુબ જ મનોહર છે.અર્જુન પાસે જઇ રહેલ વિલાસિની અપ્સરાની આકૃતિ જોવાલાયક હતી.મન અને વાયુ સમાન તીવ્ર વેગથી ચાલવાવાળી પવિત્ર હાસ્યથી સુશોભિત અપ્સરા ક્ષણભરમાં પાંડુનંદન અર્જુનના મહેલમાં પહોંચી ગઇ.
મહેલના દ્વાર ઉપર પહોંચીને ઉર્વશી ઉભી રહી ગઇ.તે સમયે દ્વારપાળોએ અર્જુનને ઉર્વશીના આગમનની સૂચના આપી ત્યારે સુંદર નેત્રોવાળી ઉર્વશી રાત્રિના સમયે અર્જુનના અત્યંત મનોહર અને ઉજ્જવલ ભવનમાં હાજર થઇ.અર્જુન સશંક હ્રદયથી તેમની સામે ગયા ત્યારે તેમના નેત્ર શરમથી બંધ થઇ ગયા,તે સમયે અર્જુને ઉર્વશીના ચરણોમાં પ્રણામ કરીને ગુરૂજનોનું કરવામાં આવે તેવો આદર-સત્કાર કર્યો અને કહ્યું કે દેવી ! શ્રેષ્ઠ અપ્સરાઓમાં તમારૂં સૌથી ઉંચુ સ્થાન છે, હું તમારા પવિત્ર પાવન શ્રીચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કરૂં છું.બોલો મારા માટે શું આજ્ઞા છે? હું તમારો સેવક છું અને તમારી આજ્ઞાનું પાલન કરવા ઉપસ્થિત છું.અર્જુનના આવા શબ્દો સાંભળીને ઉર્વશીના હોંશ-હવાસ ઉડી જાય છે.
ઉર્વશીએ કહ્યું કે હે પુરૂષોત્તમ ! ચિત્રસેને મને સંદેશ આપ્યો હતો તે અનુસાર જે ઉદ્દેશ્યના માટે હું આવી છું તે હું બતાવી રહી છું.દેવરાજ ઇન્દ્રના આ મનોરમ નિવાસસ્થાનમાં તમારા શુભાગમનના ઉપલક્ષમાં એક મહાન ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.જેમાં તમામ દેવી-દેવતાઓ પોતાના પદ-સમ્માન અને પ્રભાવ અનુસાર યોગ્ય આસન ઉપર બેઠા હતા.તે સમયે ગંધર્વો દ્વારા અનેક વિણાઓ દ્વારા સંગીતની સુરાવલી ચાલતી હતી તે સમયે તમે મારી તરફ નિર્નિમેષ નયનોથી મને નિહાળી રહ્યા હતા.દેવસભામાં મહોત્સવ પુરો થયા પછી તમારા પિતાની આજ્ઞા લઇને તમામ દેવી-દેવતાઓ અને તમામ અપ્સરાઓ પણ પોતાના ભવનમાં ચાલ્યા ગયા.ત્યારબાદ દેવરાજ ઇન્દ્રનો સંદેશ લઇને ગંધર્વપ્રવર ચિત્રસેન મારી પાસે આવ્યા અને કહ્યું કે જે સંગ્રામમાં ઇન્દ્ર સમાન પરાક્રમી અને ઉદારતા વગરે ગુણોથી સંપન્ન કુંતીનંદન અર્જુનની સેવાનો તમે સ્વીકાર કરો.
તમારા પિતા દેવરાજની આજ્ઞા શિરોધાર્ય કરીને હું તમારી સેવા માટે આવી છું.તમારા ગુણોએ મારા ચિત્તને તમારી તરફ ખેંચી લીધું છે. હું કામદેવના વશમાં થઇ ગઇ છું,મારા હ્રદયમાં લાંબા સમયથી આ મનોરથ ચાલી રહ્યો છે.ઉર્વશીના આવા વચનો સાંભળીને અર્જુન ઘણી જ શરમથી પોતાના બંન્ને કાન બંધ કરીને બોલ્યા કે સૌભાગ્યશાલિની ! ભાવિનિ ! તમે જેવી વાત કરી રહ્યાં છો તેને સાંભળવી પણ મારા માટે ઘણા દુઃખની વાત છે,તમે મારી દ્રષ્ટિમાં ગુરૂપત્નીઓ સમાન પૂજનીય છો,મારા માટે જેવાં માતા કુંતી અને ઇન્દ્રાણી શચિ છે આપ પણ તેમના સમાન છો,આ વિષયમાં કોઇ અન્ય વિચાર તમારા માટે હું કરી શકતો નથી.મેં સભામાં તમારી તરફ એકીટસે જોયું હતું તેનું કારણ એ છે કે આપ પુરૂવંશની જનની છો તે જાણીને હું આનંદિત થયો હતો અને આ પૂજ્યભાવથી તમારા તરફ જોઇ રહ્યો હતો.મારા મનમાં અન્ય ભાવ નહોતો. આપ મારા વંશની વૃદ્ધિ કરનાર છો એટલે ગુરૂથી અધિક ગૌરવશાલિની છો.
ઉર્વશીએ કહ્યું કે અમે સૌ અપ્સરાઓ સ્વર્ગવાસીઓના માટે અનાવૃત છીએ,અમારો કોઇની સાથે પડદો નથી એટલે તમે મને ગુરૂજનના સ્થાને નિયુક્ત ના કરો.પુરૂવંશના કેટલાય રાજાઓ તપસ્યા કરીને અહીયાં આવે છે અને તમામ અપ્સરાઓ સાથે રમણ કરે છે તેમાં તેમનો કોઇ અપરાધ કહેવાતો નથી.મારા ઉપર પ્રસન્ન થાઓ,હું કામવેદનાથી પીડિત છું,મારો ત્યાગ ના કરો.હું તમારી ભક્ત છું અને મદનાગ્નિથી દગ્ધ છું એટલે મારો સ્વીકાર કરો.ત્યારે અર્જુને કહ્યું કે મારી દ્રષ્ટિમાં કુંતા-માદ્રી અને શચિનું જે સ્થાન છે તેવું તમારૂં સ્થાન છે.તમે પુરૂવંશની જનની હોવાથી મારા માટે પરમ ગુરૂસ્વરૂપ છો.હું તમારા ચરણોમાં મસ્તક રાખીને તમારી શરણમાં આવ્યો છું માટે આપ અહીથી પરત જાઓ.મારી દ્રષ્ટિમાં આપ માતા સમાન પૂજનીય છો અને મને પૂત્ર સમાન માનીને મારી રક્ષા કરવી જોઇએ.
અર્જુનના આમ કહેવાથી ઉર્વશીથી ક્રોધથી વ્યાકુળ થાય છે,તેનું શરીર ફફડી ઉઠે છે અને અર્જુનને શ્રાપ આપતાં કહે છે કે તમારા પિતા ઇન્દ્રના કહેવાથી તમારી પાસે આવી હતી અને કામબાણથી ઘાયલ થઇ રહી છું તેમ છતાં તમે મારો આદર કરતા નથી.હું તો તને મરદ સમજતી હતી પણ તું તો નપુંશક નીકળ્યો,જા તૂં નપુંશક બની જા.હવે તારે સ્ત્રીઓની વચ્ચે સન્માનરહિત થઇને નર્તકી બનીને રહેવું પડશે, તમે નપુંશક કહેવાશો અને તમારો સમગ્ર આચાર-વ્યવહાર હિજડા સમાન થશે. આવો શ્રાપ આપીને ક્રોધના આવેશમાં પોતાના નિવાસે ચાલી જાય છે.આ શ્રાપની સમગ્ર ઘટના ચિત્રસેન દેવરાજ ઇન્દ્રને કહે છે ત્યારે તેઓ અર્જુન પાસે આવીને સાંત્વના આપતાં કહે છે કે ઉર્વશીએ જે શ્રાપ આપ્યો છે તે તેરમા વર્ષ અજ્ઞાતવાસ દરમ્યાન ઉપયોગી થશે.નર્તકવેશ અને નપુંસક ભાવથી એક વર્ષ સુધી ઇચ્છાનુસાર વિચરણ કરીને પછી તમોને પુરૂષત્વ પ્રાપ્ત થશે.આ રીતે દેવરાજ ઇન્દ્રે શ્રાપને એક વર્ષ માટે સીમિત કરી દીધો. આવું સાંભળીને અર્જુનને શ્રાપની ચિંતા દૂર થાય છે.જે મનુષ્ય અર્જુનના આ ચરીત્રની કથા દરરોજ સાંભળે છે તેના મનમાં પાપપૂર્ણ વિષયભોગોની ઇચ્છા થતી નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)