ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમગ્ર વિશ્વની અશાંતિ જાણે વાતાવરણમાં પડઘાતી હોય એ રીતે દિવસે ને દિવસે પરિસ્થિતિ તંગ થતી જાય છે, અને આ માનવીની બૌદ્ધિકતાનું કારણ છે કે, માનવીનાં અહંકારનું કારણ છે, એ કળવું મુશ્કેલ છે. બહાર ગરમીનો ઉકળાટ અને અંદર પ્રકૃતિ વિરુદ્ધ જવાનો સંતાપ! કારણ કે સમયની રીતે ભલે આપણે આગળ વધતા જઈએ છીએ, પણ માનવતાની રીતે એક એક કદમ પાછળ જતાં જઈએ છીએ, અને એમાં આપણે પણ ભાગીદાર છીએ, એનો સંતાપ આપણને અકળાવી રહ્યો છે! જન્મ થાય એનું મૃત્યુ થાય એટલે જે તે વ્યક્તિનું જીવન સ્તંભિત થાય કે પૂરું થાય છે, પણ સમય આવાં કેટલાંય ગૌત્ર, કુળ, કે વંશ નાં વિનાશનો સાક્ષી રહી ચૂક્યો છે, જેને આપણે ઈતિહાસ કહીએ છીએ! અને આવાં ઈતિહાસનાં ચરિત્ર પરથી આપણે બોધ લેવાનો હોય છે. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! રામાયણનાં મોટા ભાગનાં ચરિત્રની ઓળખ આપણે રામરાજ્યની સંભાવના વધે એ માટે કરી ચૂક્યા છીએ! રામાયણની કથા એટલે ત્રેતાનું ચિત્રણ અને એ પછી દ્વાપર, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણની અને મહાભારતની વાત આવે છે, તો આપણે પણ હવે સદગુરુ કૃપાથી સમયની રીતે દ્વાપરનું ચિત્રણ કરીશું! તો સૌ પ્રથમ તો વૈદિક ગ્રંથની રીતે મહાભારત અને એનાં રચયિતા વિશે આજે વાત કરીશું!
મહાભારતની કથાનો સમય ગાળો દ્વાપર યુગ ગણવામાં આવે છે અને મહાભારત કે જેને આપણે મહાકાવ્ય તરીકે ઓળખીએ છીએ એનાં રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. તો સૌ પ્રથમ દ્વાપર યુગ અને મહર્ષિ વેદવ્યાસ વિશે થોડું જાણીએ. દ્વાપર વિશે સર્ચ કરતી હતી તો યુગ ગણનાની રીતે ચાર યુગ પૂરાં થાય ત્યારે એક મહાચક્ર પૂરું થાય! અને એને એક બ્રહ્મ દિન અથવા કલ્પ કહેવામાં આવે! પછી દરેક યુગનો કાળ એટલે સમય બતાવ્યો છે અને એ રીતે (1)સતયુગ, 17.28000 વર્ષ. (૨) ત્રેતા યુગ, 12.96000 વર્ષ (૩)દ્વાપરયુગ, 8. 64000 વર્ષ અને (૪)કળિયુગ 4.32000 એમ એનો વિસ્તાર બતાવ્યો છે. મનુ અને મનવંતર એવી પછીની ગણતરીમાં આપણે જવું નથી, પણ વેદની રીતે અથવા તો ધર્મ કે સત્યની રીતે જે પૂર્ણ હતો એ સતયુગ અને એમાં ચારે વેદના વ્યાખ્યિતા હતાં, એટલે કે સત્યના ચાર ચરણ જેને આપણે ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ કહ્યાં! ત્રેતા યુગમાં સત્યનાં ત્રણ ચરણ અને ઋષિ કે બ્રાહ્મણો ત્રણ વેદોનુ મહાત્મ્ય જાણતા હતાં. દ્વાપરયુગમાં સત્યનાં કોઈ બે ચરણની મહત્તા હતી,અને કળિયુગમાં વેદનો જાણકાર માત્ર એક, અથવા એક પણ નહીં એવું. ચારે યુગનો સહજ સર્વે કરવામાં આવે તો આપણી સંસ્કૃતિને જીવંત અને મહાન બનાવનાર કોઈ પાત્ર હોય તો એ ઋષિ છે, અને આવાં જ એક મહર્ષિ વેદવ્યાસ કે જેને ગુરુ પંરપરા સાથે જોડવામાં આવ્યાં છે.
મહર્ષિ વેદવ્યાસની વાત કરીએ તો એમાં વ્યાસ” શબ્દનો અર્થ છે, વિભાજન કરનાર અથવા વ્યાખ્યા કરનાર. તેમણે વેદોને વિભાગિત ચાર ભાગોમાં વહેંચી વિસ્તાર કરીને માનવજાત માટે સરળ બનાવ્યાં, તેથી તેમને વેદવ્યાસ કહેવામાં આવ્યા. તેમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન, કારણ કે તેમનો રંગ કૃષ્ણ એટલે કે ઘેરો કાળો હતો, અને તેમનો જન્મ દ્વીપ એટલે કે ટાપુ પર થયો હતો. એમનાં પિતા મહર્ષિ પરાશર માતા સત્યવતી જે રાજા શંતનુની પત્ની, માછીમાર કન્યા હતી. યમુના અને ગંગા નદીઓના સંગમ પાસે એક દ્વીપ પર જન્મ થયો, તેથી તેમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. તેમની પત્નીનું નામ વિદુરા, અને પરિચર એમ એક અન્ય સ્ત્રી વિશેની વાત છે. પુત્ર શુકદેવજી છે જે ભાગવત પુરાણનાં વક્તા અને મહાયોગી. વ્યાસજી હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં અવિસ્મરણીય આધાર સ્તંભ ગણાય છે. તેમના કાર્ય ખૂબ વિશાળ અને દિવ્ય છે, અને એ ભગવાન વિષ્ણુનાં અંશ અવતાર માનવામાં આવે છે. એમણે એક વેદના ચાર ભાગમાં વિભાજીત કર્યા અને આ ઉપરાંત અઢાર મહા પૂરાણની રચના કરી. ઉપનિષદીય સૂત્રોનું બ્રહ્મસૂત્ર લખ્યું! અને મહાભારત કે જેને પંચમ વેદની ઉપમા મળી છે એ લખ્યું! મૂળમાં માનવીને ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર આધાર સ્તંભ આપી જીવનને સુવ્યવસ્થિત કરવાની પ્રેરણા આપી છે.
એમણે મહાભારત નામનું આ આખું મહાકાવ્ય 18 પર્વ માં એટલે કે અધ્યાયમાં લખ્યું છે! અને જેમાં કુરુ વંશનો ઇતિહાસ કુરુક્ષેત્રનું યુદ્ધ અને કૌરવ પાંડવોનું વર્ણન આવે છે. આ 18 પર્વનાં નામ મહાભારતમાં ઘટતી ઘટના અનુસાર છે:
*આદિ પર્વ,કુરુવંશનો ઇતિહાસ અને પાંડવોનો જન્મ.
*સભા પર્વ,દ્યુત ક્રીડા કે અને દ્રૌપદી વસ્ત્રહરણ.
*વન પર્વ, પાંડવોનો ૧૨ વર્ષનો વનવાસ.
*વિરાટ પર્વ, પાંડવોનો ૧ વર્ષનો અજ્ઞાતવાસ.
*ઉદ્યોગ પર્વ, યુદ્ધની તૈયારીઓ અને શાંતિ પ્રસ્તાવ.
*ભીષ્મ પર્વ, યુદ્ધનાં પ્રથમ 10 દિવસ અને ગીતાનો ઉપદેશ.
*દ્રોણ પર્વ, દ્રોણાચાર્યનું સેનાપતિપદ અને તેમનું મૃત્યુ.
*કર્ણ પર્વ, કર્ણનું સેનાપતિપદ અને અર્જુન દ્વારા વધ.
*શલ્ય પર્વ, શલ્યનું સેનાપતિપદ અને દુર્યોધનની ગદા યુદ્ધમાં હાર.
*સૌપ્તિક પર્વ, અશ્વત્થામા દ્વારા રાત્રે પાંડવોના પુત્રોની હત્યા.
*સ્ત્રી પર્વ, યુદ્ધમાં માર્યા ગયેલા વીરોની સ્ત્રીઓ દ્વારા વિલાપ.
*શાંતિ પર્વ, ભીષ્મ દ્વારા યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ.
*અનુશાસન પર્વ, ભીષ્મ દ્વારા ધર્મના નિયમોનું શિક્ષણ.
*અશ્વમેધિક પર્વ, યુધિષ્ઠિરનો અશ્વમેધ યજ્ઞનું આયોજન.
*આશ્રમવાસિક પર્વ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનગમન.
*મૌસલ પર્વ, મૂશળો દ્વારા યાદવોનો વિનાશ.
*મહાપ્રસ્થાનિક પર્વ,પાંડવોની અંતિમ યાત્રા.
* સ્વર્ગારોહણ પર્વ.પાંડવોનું સ્વર્ગમાં ગમન.
તો મહાભારત એ વેદવ્યાસજીની સૌથી વિશાળ કૃતિ છે, અને લગભગ 1,00,000 થી વધુ શ્લોકો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ગણવામાં આવે છે. જેમાં પાંડવો અને કૌરવોની કથાનક દ્વારા નીતિ, ધર્મ, યોગ અને ભક્તિનો ઉપદેશ છે. આજે જેને સર્વોચ્ચ ગ્રંથનું સ્થાન મળ્યું છે એ ભગવદ ગીતા ભીષ્મ પર્વનાં અધ્યાય 23થી 40 વચ્ચે આવે છે.
આપણાં જીવનમાં આ બેય વૈદિક ગ્રંથોની મહત્તા વધારવાં માટેનો શ્રેય આપણાં કથાકારોને પણ જાય છે, અને એમાં પણ તુલસીદાસજી કૃત રામચરિત માનસની ચોપાઈઓ વિશ્વ ફલક પર પ્રસ્તુત કરી, લોક માનસમાં અંકિત કરવા માટે પૂજ્ય બાપુને વંદન કરવા ઘટે. આ ઉપરાંત રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી આ કથાનાં પાત્રોનો ઉત્કૃષ્ટ અભિનય એ ચરિત્રોને જીવંત કરી દીધાં. એવી જ રીતે યશ ચોપરાની મહાભારત એ પણ શ્રીકૃષ્ણ પાંચ પાંડવ, કૌરવો, અને એમાં પણ ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કર્ણ, અને શકુની, ભીષ્મ, અને ખાસ કરીને એનાં ટાઇટલ સોંગ માટે હજી પણ યાદ કરવામાં આવે છે. આજની જનરેશનને કહેવું હોય તો, મોરલ ઓફ ધ સ્ટોરી, કોઈનાં ભાગનું પચાવી પાડેલું પચતું નથી! અને સુખ સમૃદ્ધિ માટેનાં યુદ્ધમાં જીતવા છતાં એ સુખ સમૃદ્ધિ શાંતિ આપી શકતી નથી! માટે હજી ચેતી જઈએ! આપણે સૌ મહર્ષિ વેદવ્યાસના જ્ઞાનને સરળતાથી આત્મસાત કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

