Surendranagar, તા.3
પાટડી તાલુકાનુ ખારાઘોડા ગામ એ મીઠા ઉધોગનું મોટું પીઠું છે, અહીં દર વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અને આ મીઠું રેલવે વેગનો મારફત અને ટ્રકો દ્વારા રોડ મારફત સમગ્ર ગુજરાત સહીત સમગ્ર ભારતમાં નિકાસ થાય છે. અને દર વર્ષે ફેબ્રુઆરીથી મેં માસ દરમિયાન જેસીબી અને ડમ્પર વડે આ મીઠું રણમાંથી ખારાઘોડા લાવી એના ગંજા બનાવવામાં આવે છે.
ત્યારે ખારાઘોડાથી રણમાં જવા આવવાનો રસ્તો ચિંથરેહાલ બનતા વાહનચાલકો માટે મીઠું ખેંચવાની સીઝનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે. એવામાં કેટલાંક મહિનાઓ અગાઉ ધારાસભ્ય પી.કે.પરમારની ગ્રાન્ટમાંથી આ રસ્તો રૂ. 1.35 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવતા મીઠાના વેપારીઓ અને વાહનચાલકોમા ખુશીની લહેર દોડી જવા પામી હતી. અને ખારાઘોડાના સરપંચ, મીઠા એસોસિએશન સહીત અગરિયા મંડળના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય પી. કે. પરમારનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ રસ્તો ઔધોગિકના બદલે ગ્રામ્ય રસ્તો બનાવવાની હિલચાલથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે આ રસ્તો 20 ફૂટ જેટલો પહોળો બનાવવાના બદલે ગ્રામ્ય લેવલનો માત્ર 12 ફૂટ જેટલો સાંકડો બનાવતા વાહનચાલકોને મુશ્કેલી પડશે.
અને આ રસ્તેથી પસાર થતાં 35 ટન વજન સાથેના વાહનોને ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય ઉભો થવા પામ્યો છે. તાજેતરમા એક ડમ્પર ચાલકે મીઠાના એક વેપારીની કારને અડફેટે લઇ મોટું નુકશાન પહોચાડ્યું હતું. આથી આ અંગે લાંબા ગાળાનું આયોજન કરી આ રસ્તો ઔધોગિકની સાથે પહોળો બનાવવામાં આવે તો જેસીબી, હિટાચી અને ડમ્પરો અને ટ્રકો માટે આ રસ્તેથી પસાર થવામાં કોઈ મુશ્કેલીઓ ના થાય.
જ્યારે પાટડી ખારાઘોડા વચ્ચેનો માત્ર આઠ કિમીનો રસ્તો બન્યાને હજી વધુ સમય વિત્યો નથી, ત્યાં હાલમાં આ પાટડી ખારાઘોડા વચ્ચેનો આઠ કિમીનો રસ્તો પણ ચીંથરેહાલ બનતા અવારનવાર આ રસ્તા પર અકસ્માતના બનાવો સામે આવે છે. ત્યારે કાયમ ટ્રાફીકથી ધમધમતા આ રસ્તોનું યોગ્ય રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

