Morbi,તા.14
વાંકાનેરના એક યુવક અને તેની માતાને વિશ્વાસમાં લઈ, અસલી સોનાના દાગીના બતાવી બદલામાં નકલી દાગીના પધરાવી રૂ. પાંચ લાખની રોકડ રકમ પડાવી લેવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે અમરેલીના એક શખ્સ અને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વિગતવાર માહિતી મુજબ, વાંકાનેરના દેલવાડીયા સાહેબના દવાખાના સામે રહેતા સતિશભાઈ હરસુખલાલ ચારોલીયા અને તેમની માતાને આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ પહેલા સાચા હોલમાર્ક વાળા સોનાના ઘરેણાં બતાવી પાંચ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. વાંકાનેર બાઉન્ડ્રી પાસે ખોડીયાર ચાની હોટલ સામે આરોપીઓએ ફરિયાદી પાસેથી પાંચ લાખ રોકડા લઈ લીધા હતા અને બદલામાં સોનાના ઘરેણાં આપ્યા હતા. જોકે, પાછળથી તપાસ કરતા આ ઘરેણાં નકલી અને બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં રકમ પરત ન મળતા અંતે અમરેલીના રામકુભાઈ માથાસુરીયા અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

