હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યુદ્ધનાં સમાચારો મળે અને આપણી ત્યાં પ્રત્યક્ષ હાજરી નથી, છતાં એ લોહીયાળ દ્રશ્યોની કલ્પનાથી કમકમા આવી જાય! પણ પાછાં ભૂલીને રસ પૂરી જમી પણ લઈએ. બિલકુલ એનું વિપરીત બગીચામાં જઈએ અને રંગબેરંગી સુગંધી ફૂલો જોઈ તન મન બંને પ્રસન્ન થઈ જાય, અને એમાં જો પ્રિય સાથી સાથે હોય તો આ દ્રશ્ય જોઈ કવિતા પણ મનમાં ઉઠે. એટલે કે જે પ્રત્યક્ષ છે, એ આંખે દેખાય પણ જે અપ્રત્યક્ષ છે, એની સાથે આપણી સંવેદના હોય તો એની કલ્પના થકી આપણે સહાનુભૂતિ દર્શાવીએ પણ એની તીવ્રતા એટલી ન્હોય આપણે અપ્રત્યક્ષ ને સ્વાભાવિક ભૂલી જઈએ. આંખ દ્વારા આપણને રંગની ઓળખ થાય છે, અને લાલ લીલાં ભૂરાં પીળા ધવલ એવાં કેટલાંય રંગોનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ છે! અને રંગો જીવનને રંગીન એટલે કે ખુશહાલ બનાવે છે, પરંતું ક્યારેક એવું લાગે કે સુખ કે ભોગ રસનાં અમુક રંગને જ આપણે મહત્વ આપ્યું છે, અને એ ન્હોય એટલે દુખ! અને દુખડા ગાવાની ટેવ પડી ગઈ છે,એટલે કે આંખ હોય પણ સુખ કે ખુશી શોધવાની દ્રષ્ટિ નથી હોતી! બસ આ જ કારણ છે, કે આપણે ખુશ રહી શકતાં નથી! કારણ કે દુઃખને નજર અંદાજ કરતાં આવડતું નથી, અને નાનાં નાનાં કારણે ખુશ થવાતું નથી! કોઈ મોટી લોટરી લાગશે અને પછી બધું જ પરફેક્ટ થઈ જશે! એવું વિચારીને જીવનનાં બહુ મહત્વનાં દિવસો ગુમાવી દઈએ છીએ. પણ નરસિંહ એ એવું કર્યું નથી, એણે શ્રીકૃષ્ણની ભક્તિ માટે કે એનાં દર્શન માટે રુપિયા પૈસા, જમીન જાગીર, માન સન્માન, કે પછી પદ પ્રતિષ્ઠા બધું જ છોડી દીધું,ભક્તિ માટે એને કોઈ મહત્વ આપ્યું નહીં.
** નરસિંહ મહેતા**
૧)આજ મારાં નયણાં સફળ થયાં.
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી.
*નરસિંહ કહે છે કે આજે પ્રભુનાં દર્શન કરી, એનું મુખ નીરખી મારી આંખોનું હોવું સફળ થયું.
૨)સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.
જે રે મારાં મનમાં હતું તે વહાલાએ કીધું;
*પ્રભુનું સુંદર શરીર એટલે રૂપ જોઈ મારું હૈયું હરખી ઉઠ્યું અને મારું મન વાંચી ગયો હોય એમ મારા વ્હાલા એ મેં વિચાર્યું હતું એવું જ કર્યું.
૩)પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.
વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
*ગઈકાલ સુધી વ્હાલો આવશે આવશે એમ થતું હતું અને પ્રભુજી પધાર્યા, અને એ પણ મને મળવા ઉત્સુક હોય, એમ આલિંગન દીધું એટલે ભેટી પડ્યાં. મારો વ્હાલો તો વિહાર કરવા વાળો છે, એટલે કે એક જગ્યાએ રહેવું તેને ગમતું નથી પણ મેં એને જાવા દીધો નહીં!
૪)હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.
કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે.
*પ્રભુનો હાથ મૂકવાનો નથી, એટલે કે જીવનની ગતિવિધિઓમાં ભક્તિને નામે કોઈ આડંબર નહીં, ભગવાન નું સ્થાન તો હ્રદયમાં હોય એ રીતે એને અંતર્ગત કરીએ, તો આજે પણ કાનુડો કાલિન્દી ને કાંઠે નાચતો અને ગાતો દેખાય.
૫)સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.
ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં,
વહાલો જ્યાં રમ્યા રાસ.
*વ્રજની બધી જ સુંદરીઓ એટલે કે ગોપીઓ
કાનુડાનાં ગીતમાં સ્વર પૂરાવે છે, અને એ દ્રશ્ય જોઈ નરસિંહ ને અતિ આનંદ થાય છે, અને એ પોકારી ઉઠે છે ધન્ય છે વ્રજમાં વાસ, અને ધન્ય છે જમુના નો તટ! આ ભૂમિ બહુ ભાગ્યશાળી છે, કે અહીં મારો વ્હાલાજી રાસ રમ્યા હતાં.
૬)અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.
*રાધા કૃષ્ણનો રાસ જોવાં આકાશથી સૌ દેવતા આવે અને રાધા કૃષ્ણ ને રાસ રમતા જોઈ પુષ્પવૃષ્ટિ કરે છે, અને નરસૈંયો પણ ફૂલડે વધાવે છે.
નરસિંહ અહીં ભક્તિની પરાકાષ્ઠા એ ભક્ત ભગવાનું જે સ્વરૂપ, સારુપ્ય પ્રાપ્ત કરે છે, એનું શ્રૃંગાર રસ થકી વર્ણન કરે છે, કે એક જ શરીરમાં ભક્ત અને ભગવાન કે પછી જીવ અને જીવાત્મા બંનેની રસ ક્રીડાનું અદભુત દર્શન કરી, ભક્ત પ્રેમિકા બની પ્રિયતમ એટલે કે પોતાનાં ભગવાન સાથેનાં મિલનની ઉત્તમ ક્ષણોને વાગોળે છે. પરંતુ નરસિંહની રચના છે, એટલે અધ્યાત્મ ન્હોય, એવું તો બને જ ક્યાંથી! પ્રથમ પંક્તિમાં જ કહે છે કે નયણાં સફળ થયાં! એટલે કે ચર્મ ચક્ષુ કે આંખો તો બધાં પાસે છે, પણ નરસિંહ જેમ પ્રત્યેકમાં રાય રંક કે છૂત અછૂતનાં ભેદ વગર જીવ ને હરિ દેખાતો નથી! માટે નરસિંહે જે જે મનમાં વિચાર્યું એ એનાં વ્હાલાએ કર્યું. નિમંત્રણ મળતાં પધાર્યા, અને બથ ભરીને આલિંગન આપ્યું! ગોકુળ વનરાવનનાં કૃષ્ણની માનસિકતાને નરસિંહ બરોબર પકડી અને કહે છે, મારો વ્હાલો વિહારી લો છે એક જગ્યાએ ટકતો નથી, પણ મેં એનો હાથ બરોબર પકડી લીધો, એટલે કે રૂપિયા પૈસા, માન સન્માન, પદ પ્રતિષ્ઠામાં અટવાયા વગર, ભક્તિને નામે પણ કોઈ આડંબર કર્યા વગર, હૈયામાં એનું રુપ સ્વરૂપ અંતરંગ કરી લીધું, અને શરીરથી આત્મ તત્વની દૂરી પૂરી થઈ! આમ પોતે રાધા છે, અને આત્મા કૃષ્ણ, એમ એનું આટલું ઐક્ય અનુભવી જાણે જીવન કાલિંદીનો ઘાટ હોય એમ નરસિંહ નાચી ઉઠ્યાં! સ્વર પૂરે સર્વ સુંદરી! ઈન્દ્રિયો રુપી ગોપી કે સુંદરીનો સૂર એક થઈ જાય, અને હાથ, પગ, આંખ, કાન, જીભ, અને મન બધી ઈન્દ્રિયો ગોપી જેમ કૃષ્ણને જ ઈચ્છે, તો ત્યાં જીવન તટ જમુના તટ બને, અને જ્યાં છીએ એ ભૂમિ વ્રજની! પરંતુ મૂળમાં તો નરસિંહ કહે છે કે પરમાત્મા રુપી શ્રીકૃષ્ણ સુધી પહોંચવાનાં બે જ માર્ગ છે! એક હરિનું કામ અને બીજું હરિનું નામ! જે જીવને આત્મ તત્વ સુધીની સફર કરાવે છે, અને એટલે જ જમુના તટ શબ્દ પ્રયોગ કરીને કહે છે કે, કરમ નાં ઘાટે સ્નાન કર્યું હશે, એટલે કે પરોપકાર કર્યો હશે, કોઈ જરુરીયાત માં પોતાનાં ઈષ્ટનાં દર્શન કરી નિઃસ્વાર્થ ભાવે મદદ કરી હશે, તો જ શ્રીકૃષ્ણ આત્મસાત થશે, અને જીવન વ્રજ જેમ હરિયાળી છાંયા વાળું બનશે. જીવનનાં કાલિંદી, જમુના, અને વ્રજ જેવાં મુકામે કંસ વૃત્તિ ત્યાગીને કોઈને પરેશાન કર્યા વગર સ્થિર થઈએ તો જ એ મહારાસનો હિસ્સો બની શકાય! અને આમ ભક્ત અને ભગવાન કે પછી જીવ શિવનાં મિલનની ક્ષણે અંતરિક્ષ માંથી દેવતા પુષ્પવૃષ્ટિ કરવા આવશે! એટલે ભક્તની ભક્તિથી બાહ્ય પ્રકૃતિ તો ખુશ થશે જ, પણ આતંર પ્રકૃતિ પણ હરખાઈને આ ક્ષણને ફૂલડે વધાવશે! આપણે સૌ નરસિંહ જેવી ભક્તિ કરી શકીએ,એવી પ્રાર્થનાં ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

