Mumbai, તા.૨૫
ટીવી એક્ટર અંગદ હસીજા પોતાના લુક અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. લાંબા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા અંગદ હસીજાને ‘બિદાઈ’ શોથી ખાસ ઓળખ મળી હતી. જોકે, તાજેતરમાં તેમણે પોતાના જીવનના એક વિચિત્ર અને તણાવપૂર્ણ ફોન કોલનો ખુલાસો કર્યો હતો. જેમાં પ્રાઇવેટ ઇવેન્ટના નામે તેમની સાથે અયોગ્ય માંગણી કરવાનો પ્રયાસ થયો હતો. અંગદ હસીજાએ શાર્દુલના પોડકાસ્ટમાં આ ઘટના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, એક સમયે તેમને એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હતો. તે સમયે દેશ અને વિદેશમાં અનેક ઇવેન્ટ યોજાતી હતી અને કલાકારોને તેમાં હાજરી આપવા માટે આમંત્રણ મળતું હતું.અંગદને પણ એક ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શરૂઆતમાં તેમને ઇવેન્ટ વિશે કોઈ ખાસ માહિતી આપવામાં આવી નહોતી. તેમણે આયોજકને પૂછ્યું કે ઇવેન્ટમાં શું કરવાનું રહેશે, ડાન્સ કરવો પડશે કે પછી કોઈ ખાસ કપડાં પહેરવાના રહેશે? તેના જવાબમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, આ એક પ્રાઇવેટ ઇવેન્ટ છે.અંગદને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ નાનું ફેમિલી ગેધરિંગ હશે, જેમાં થોડા લોકો હાજર હશે. પરંતુ આ ઇવેન્ટ માટે તેમને ૧૫થી ૧૬ લાખ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. આટલી મોટી રકમની ઓફર સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તે સમયે કોઈ ઇવેન્ટમાં હાજરી આપવા માટે તેમને આટલી મોટી રકમ મળતી નહોતી. આ દરમિયાન ફોન કરનાર વ્યક્તિ વારંવાર અંગદને પૂછતો હતો કે તેઓ ઇવેન્ટમાં આવવા માટે તૈયાર છે કે નહીં અને તેમને કોઈ સમસ્યા તો નથી ને? આ પ્રકારના સવાલોથી અંગદને શંકા થવા લાગી હતી કે આખરે ઇવેન્ટમાં એવું શું છે?અંગદે જ્યારે ઇવેન્ટ વિશે સ્પષ્ટ માહિતી માગી ત્યારે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, ‘સર, તમે જે જાણો છો એ જ. બધાને ખબર છે કે તમે પેઇડ છો.’ આ વાત સાંભળીને અંગદ હસીજા સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ ઇવેન્ટ માટે ના પાડે તે પહેલાં જ તેમના ખાતામાં ૧૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. જોકે, અંગદે તરત જ આ પૈસા પરત કર્યા અને ઇવેન્ટમાં જવાનો ઇનકાર કર્યો હતો. અંગદે જણાવ્યું કે આ સમગ્ર ઘટના તેમના માટે ખૂબ જ તણાવપૂર્ણ રહી હતી. ફોન કરનાર વ્યક્તિએ તેમને એવું પણ કહ્યું હતું કે બધા કલાકારો પેઇડ હોય છે અને આ સામાન્ય વાત છે. જોકે, આ ફોન કોલને કારણે અંગદને ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાયો હતો.

