બાંધકામના ધંધાર્થીની માલિકીના લીફ્ટના કોલમ, સેફ્ટી નેટના પાઇપ સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા, સીસીટીવી ફુટેજના આધારે તપાસ
Lodhika,તા.27
રાજકોટના હરીપર પાળમાં આવેલ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ.૧.૭૫ લાખના બાંધકામના સામાનની ચોરી કરી નાસી છૂટતાં મેટોડા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ આદરી હતી.બનાવ અંગે રાજકોટના મુંજકામાં આવેલ પંચેશ્વર પાર્કમાં રહેતાં રવીભાઈ પરશોતમભાઇ રાદડીયા, (ઉવ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,
તેઓ રોયલ કંટ્રક્શનના નામે કંટ્રક્શનનો વેપાર ધંધો કરે છે. હાલ તેઓની સાઇટ માધાપર ચોકડી અને સાધુ વાસવાણી રોડ ઉપર ચાલુ છે, બાંધકામનો સામાન રાખવા માટેનું ગોડાઉન હરીપર પાળ સર્વે નં.૩૨, પ્લોટ નં.૧, જુના બંગડીના કારખાના પાસે આવેલ છે. જ્યાં કોઈ કંટ્રક્શનને લગતો સામાન લેવાનો હોય તો જ આવવાનું થાય છે.
ગઇ તા.૨૧ ના સાંજના છ વાગ્યે તેઓ ગોડાઉને ગયેલ હતો. ત્યારબાદ તા.૨૪ ના સાધુવાસવાણી રોડ ઉપરની સાઇટ ઉપર ટેકાની જરૂર હોય જેથી ગોડાઉને ટેકાના માપ લેવા માટે ગયેલ અને ગોડાઉનમાં લગાવેલ તાળાને ખોલવાનો પ્રયાસ કરતા તાળુ ખુલેલ નહી, જેથી તાળાની જગ્યાએ કોઇએ બીજુ તાળુ મારી દીધેલ હોવાનું લાગતા તે તાળુ તોડી અંદર જઇ ગોડાઉન ચેક કરતા અંદરની સાઈડ પતરાનો દરવાજો કપાયેલો અને દરવાજાને મારેલ તાળુ પણ કપાયેલ જોવામાં આવેલ જેથી અંદર જઇ જોતા તેમાં રાખેલ બાંધકામનો સામાન લીફ્ટના કોલમ, સેફ્ટી નેટના પાઇપ સહિતનો લગભગ રૂ.૧.૭૫ લાખનો સમાન ચોરી થયેલ જણાયેલ હતો. તેમજ કોઇ માલવાહક વ્હીકલના ટાયરના નિશાન જોવામાં આવેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

