Amreli, તા.3
અમરેલી શહેરમાં રખડું શ્ર્વાનને લઈ લોકો પરેશાન થઈ રહયાં છે. ખાસ કરી વાહન લઈ નિકળતાં લોકો પાછળ આવા શ્વાન દોડી અને ભય ફેલાવે છે. ત્યારે હવે આવા રખડું શ્વાનને લઈ અમરેલીની એક સોસાયટીમાં મારામારીના બનાવો બનવા પામેલ છે. જે બનાવમાં સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
અમરેલીના ચિત્તલ રોડ ઉપર આવેલ આવકાર સોસાયટીમાં રહેતી ફાલ્ગુનીબેન ભાવેશભાઇ ખોરાસીયા નામની 27 વર્ષીય યુવતિની સોસાયટીમાં રહેતા મહેશભાઇ ચાવડા નામનાં શેરીના કુતરાને કેબલ વાયરથી મારતા હોય જેથી યુવતિના મમ્મીએ કુતરાને માર મારવાની ના પાડતા આરોપી ને સારૂ નહી આરોપીનાં પત્નિ, દીકરો તથા અજાણ્યા ચાર માણસો આવી જઇ એકસંપ કરી યુવતિ તથા તેણીની માતાને વાયર તથા લોખંડના પાઇપ વડે માર મારી તેણીને પછાડી ટી-શર્ટ ફાડી નાખી અને તેણીના ભાઇને પણ પછાડી દઇ પાઇપ વડે માર મારી ઈજા કરી હતી.
જ્યારે આરોપીઓએ યુવતિને ઢસડેલ તેમજ તેણીનાં શરીરે અડપલા કરી તમામ આરોપીઓએ તમને જીવતા રહેવા દેવા નથી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી.બાદમાં તેણી તથા તેમની માતા અમરેલી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલ જે અંગેની યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સામાપક્ષે મહેશભાઇ જગાભાઇ ચાવડા નામનાં આધેડે ફરિયાદમાં જણાવેલ છે કે, તે તથા તેમના ભાઇ ત્યાથી ટીફીન લઇને પોતાના ઘરે જતા હતા. ત્યારે શેરીના કુતરાઓ તેમની પાછળ દોડેલ હતા જેથી તેમણે કુતરા ભગાડવા વાયર કાઢેલ હતો.
ત્યારે યુવાને કુતરાઓને ભગાડાય પણ નહી તેમ કહેલ. બાદમાં આધેડ તેમનુ ટીફીન ઘરે મુકી ફરીવાર કુતરાઓ ભગાડવા માટે જતા આરોપી ફોરવ્હીલ લઇ આવી અને ફોરવ્હીલમાંથી ધોકો કાઢી આધેડને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તમારો ઇલાજ કરવો પડશે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આધેડને પછાડી દીધેલ અને તેમના દીકરાને ધોકા વડે અને આધેડના પત્નિના વાળ પકડી શેરીમા પછાડી દઇ ઢીકાપાટુનો તથા પેટમા પાટુ મારી માર મારી મુંઢ ઇજાઓ કર્યાની સામી પોલીસ ફરિયાદ નોંધાય છે.

