Anandતા.૯
આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે , જ્યારે એકને ઈજા થવા પામી છે. આ અંગે આંકલાવ તથા આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ બનાવમાં આંકલાવ તાલુકાના ગંભીરા ગામે અજયકુમાર પુંજાભાઈ પઢીયાર પોતાના માતા-પિતા સહિતના પરિવાર સાથે રહે છે. અજયકુમાર તેમના પિતા ૬૦ વર્ષીય પુંજાભાઈ કાળાભાઈ પઢીયારને પોતાના એકટીવા પાછળ બેસાડીને ઘરના મીટરમાં દાદાના નામના બદલે પિતાનું નામ દાખલ કરાવવાનું હોવાથી આંકલાવ જીઇબી જવા માટે નીકળ્યા હતા અને જીઈબીના ગેટ આગળ પહોંચતા જ પાછળથી પુરઝડપે આવી રહેલી કારના ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં બંને રોડ ઉપર પટકાયા હતા અને કાર નીચે દબાઈ ગયા હતા. આ બનાવ બનતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને વાહન નીચે દબાઈ ગયેલા અજયકુમાર અને પુંજાભાઈને બહાર કાઢી ઇજાગ્રસ્ત પુંજાભાઈને તાત્કાલિક સારવાર માટે આંકલાવ સાંઈ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે આણંદની આઈરીશ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસીને પુંજાભાઈ પઢીયારને મરણ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અજયકુમાર પુંજાભાઈ પઢીયારની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં નડિયાદ તાલુકાના નવાગામ સીમ બનાયાપુરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય સંજયકુમાર જશભાઈ સોઢા છેલ્લા એક વર્ષથી જી.એસ.કંપનીમાં ટોઈંગ વાનના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. જે ટોઈંગ વાન સંજયભાઈના ઘરે રહેતી હતી જ્યારે કોલ સેન્ટર ઉપરથી કોલ આવે ત્યારે તે સંજયભાઈ લઈને જતા હતા. મંગળવારે જશભાઈ સોઢા પોતાના ઘરે હાજર હતા ત્યારે તેઓના દીકરા સંજયને કોલ સેન્ટર ઉપરથી ગાડીને ટોઈંગ વાનમાં લઈ જવાનો કોલ આવતા સંજયભાઈ ટોઈંગ વાન સાથે પિતરાઈ ભાઈ મિતેશને લઈને ગયા હતા. બંને જણા જીએસ કંપનીના ઓર્ડર પ્રમાણે બ્રેક ડાઉન થયેલી ગાડીને ભરવા માટે બોરસદ જવાના રોડ પર અંધારીયા ચોકડી નજીક ગયા હતા. જ્યાં બ્રેક ડાઉન થયેલ ગાડીને ટ્રકમાં ચડાવીને ટોઈંગ વાનના ડ્રાઇવર સંજયભાઈ બ્રેક ડાઉન થયેલી ગાડીને ટ્રકમાં ચડાવ્યા બાદ રોડની સાઈડમાં ફોટા પાડતા હતા. ત્યારે પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહનચાલકે સંજયભાઈને ટક્કર મારી દીધી હતી. જેથી ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવ બનતા આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ વાન મારફતે ઇજાગ્રસ્ત સંજયકુમારને તાત્કાલિક સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે સંજયકુમારને મરણ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જશભાઈ ફતાભાઈ સોઢાની ફરિયાદ લઈ આણંદ રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

