Bhuj તા.૧
Mundra ના પ્રાગપર વિસ્તારમાં આવેલી એક્ટિવ કાર્ગો મૂવર્સ કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના કલમાર મશીનની અડફેટે દુઃખદ મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં સુપરવાઈઝર નદીમ અને શ્રમિક રાજકુમાર યાદવે જીવ ગુમાવ્યો છે.
બનાવની વિગતો અનુસાર, એક્ટિવ કાર્ગો મૂવર્સ કંપનીમાં દરરોજની જેમ કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કલમાર મશીન રિવર્સ લેવાતી વખતે સુપરવાઈઝર નદીમ અને રાજકુમાર યાદવ નામના બે કામદારો કલમાર મશીનની નીચે કચડાઈ ગયા હતા. જેના કારણે આખી કંપનીમાં હડકંપ મચી ગયો હતો.
આ દુર્ઘટના બાદ નદીમ અને રાજકુમાર બંનેને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. આ ઘટના બાદ ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને કામદારોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ દુર્ઘટનાની તપાસ હાથ ધરી છે.

