Kiev, તા.૧૦
Ukraine પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે જોડાયેલી એક મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પંચમના અંતિમ સંસ્કારમાં ઓસ્લો જઈ રહેલા ઝેલેન્સ્કીના વિમાન સાથે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે એક ખતરનાક ઘટના બની હતી, જેમાં તેમનું વિમાન અજાણ્યા ડ્રોન સાથે અથડાતા માંડ-માંડ બચ્યું હતું.
આ ગંભીર સુરક્ષા જોખમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ સરકારી પ્રસારક એનઆરકે સાથેની વાતચીતમાં આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે યુક્રેનિયન પ્રમુખનું વિમાન લગભગ એક ડ્રોનની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટના ઝેલેન્સ્કીની મુસાફરી દરમિયાનના સુરક્ષા જોખમોને સ્પષ્ટપણે ઉજાગર કરે છે,
જોકે આ મામલે Ukraine અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.મંગળવારે સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચેલા ઝેલેન્સ્કીએ નોર્વેના નાણા મંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથેની મુલાકાતમાં આ ભયાનક ઘટનાની જાણકારી આપી હતી. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મોલ્ડોવા એરસ્પેસમાં ડ્રોનનું જોખમ ઊભું થવાને કારણે યુક્રેનિયન પ્રમુખની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી રવાના થઈ હતી.મુસાફરી દરમિયાન આટલા મોટા સુરક્ષા જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરવા છતાં ઝેલેન્સ્કી સમયસર નોર્વે પહોંચ્યા હતા અને દિવંગત રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે સામેલ થયા હતા.
અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર દિવંગત રાજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે યુક્રેન હંમેશા નોર્વે દ્વારા મળેલા સહકાર માટે આભારી રહેશે, જે માત્ર સરકાર તરફથી જ નહીં પરંતુ શાહી પરિવાર અને ત્યાંના લોકો તરફથી પણ મળ્યો છે.

