Vadodara,તા.06
સંસ્કારી નગરી વડોદરા માં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં એક કળિયુગી દાદાએ પોતાની જ 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં અચંબા સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પવિત્ર સંબંધને લજવતી આ ઘટનાને પગલે પરિવાર સહિત સ્થાનિક રહીશોમાં ચકચાર મચી છે.
મળતી વિગતોમુજબ, ગત રાત્રિના સમયે આરોપી દાદા પોતાની પૌત્રીને કોઈ બહાને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી શારીરિક અડપલા શરૂ કર્યા હતા. દાદાની આ હરકતથી ગભરાયેલી બાળકીએ તુરંત જ રૂમની બહાર આવીને પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. બાળકીના શબ્દો સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.પુત્રી સાથે થયેલા આ દુષ્કૃત્ય મામલે બાળકીમો માતાએ જરાય ખચકાયા વગર કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. વહૂએ પોતાના જ સસરા વિરુદ્ધ હિંમત દાખવી કપૂરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દાદાએ પૌત્રીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેની સાથે છેડતી કરી હતી, જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી.
કપૂરાઈ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી વિરુદ્ધ છેડતી તેમજ POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાજમાં સુરક્ષાનો અહેસાસ કરાવતા દાદા-પૌત્રીના સંબંધને કલંકિત કરતી આ વિકૃત ઘટનાએ સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
