Bengaluru,તા.૧૧
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે. આ બેટરે આઈપીએલમાં એવો મહારેકોર્ડ બનાવ્યો છે, જેની નજીક દુનિયાનો કોઈ બેટર પહોંચી શક્યો નથી. મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સે ગુરૂવારે રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને ૧૩ બોલ બાકી રહેતા ૬ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ ૧૪ બોલમાં ૨૨ રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીએ આ મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૦૦૦ બાઉન્ડ્રી લગાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટે આઈપીએલમાં ૭૨૧ ચોગ્ગા અને ૨૮૦ સિક્સ ફટકારી છે. ઘરેલું દર્શકોની સામે કોહલીએ એક શાનદાર સિક્સ ફટકારી રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. વિરાટ કોહલીએ અત્યાર સુધી ૨૫૭ આઈપીએલ મેચમાં ૩૮.૮૨ની એવરેજથી ૮૧૯૦ રન બનાવ્યા છે. આ બેટરના નામે આઈપીએલમાં ૮ સદી અને ૫૭ અડધી સદી છે.
આઇપીએલમાં સૌથી વધુ બાઉન્ડ્રીઃ
૧૦૦૧ – વિરાટ કોહલી
૯૨૦ – શિખર ધવન
૮૯૯ – ડેવિડ વોર્નર
૮૮૫ – રોહિત શર્મા
વિરાટ કોહલીને દિલ્હી કેપિટલ્સના લેગ સ્પિનર વિપ્રજ નિગમે ૨૨ રન પર આઉટ કર્યો હતો. મહત્વનું છે કે કુલદીપ યાદવ અને વિપરાજ નિગમની ફિરકીના જાદૂ બાદ કેએલ રાહુલની ૫૩ બોલમાં અણનમ ૯૩ રનની ઈનિંગની મદદથી દિલ્હીએ આરસીબીને છ વિકેટે પરાજય આપ્યો હતો.
પ્રથમ બોલિંગ કરતા દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને ૭ વિકેટ પર ૧૬૩ પર રોકી દીધું હતું. જવાબમાં દિલ્હીએ ૧૩ બોલ બાકી રહેતા ૪ વિકેટ પર ૧૬૯ રન બનાવી જીત મેળવી હતી. રાહુલે ૫૩ બોલમાં ૭ ચોગ્ગા અને છ સિક્સની મદદથી અણનમ ૯૩ રન બનાવ્યા હતા. તેણે પાંચમી વિકેટ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે ૧૧૧ રનનની ભાગીદારી કરી હતી. સ્ટબ્સ ૩૮ રન બનાવી અણનમ રહ્યો હતો.