Iran,તા.07
મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે. જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના ‘સંરક્ષણ કવચ’ માં ગાબડું પાડ્યું છે.અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુક્ત હુમલાનો દોર હજુ યથાવત્ છે. ત્યારે ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને વધુ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું કે આજે રાતે ઈરાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરીશું. સચિવ હેગસેથ, જનરલ કેન અને પ્રમુખ ટ્રમ્પે પણ આ વાત કહી હતી. આજે અમેરિકા ઈરાની મિસાઇલ લોન્ચર, મિસાઈલ બનાવતી ફેક્ટરીને ટારગેટ કરવાની તૈયારીમાં છે.
અમેરિકાના મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન સૈન્ય મિડલ ઈસ્ટમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલવાની તૈયારીમાં છે. જેનાથી યુદ્ધ વધુ ભડકી શકે છે. જી બાજુ ઇરાને અમેરિકા અને ઈઝરાયલને ઓપન ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો ઓઈલ ટેન્કરોને અમેરિકાના યુદ્ધજહાજોની સુરક્ષા હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાંથી પસાર કરી બતાવો. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)ના અહેવાલ અનુસાર શનિવારે ઈરાનના નટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ક્ષેત્રમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે ફરી એકવાર અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં દાવો કર્યો છે કે અમે ઈરાનમાં એક અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન 3000થી વધુ ટારગેટ પર હુમલા કર્યા હતા.
સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. 1 માર્ચની સેટેલાઇટ તસવીરોમાં રડાર સાઇટ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડ્યો છે.સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રૂવૈસ અને સાદરમાં આવેલી સૈન્ય છાવણીઓ પર પણ હુમલા થયા છે. સેટેલાઇટ એનાલિસિસ મુજબ, THAAD રડાર સ્ટોર કરવા માટે વપરાતા ખાસ વ્હીકલ શેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બંને સ્થળોએ હુમલાની પેટર્ન લગભગ સમાન છે, જે ઈરાનની સચોટ મિસાઈલ ક્ષમતા દર્શાવે છે.રક્ષણ નિષ્ણાતોના મતે, આ રડાર સિસ્ટમ THAAD નો સૌથી મહત્વનો હિસ્સો છે. તેના વિના આખી મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ નકામી બની જાય છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા પાસે આવી માત્ર 8 બેટરીઓ છે, જેમાંથી 3 દેશોમાં રડારને નુકસાન થવું એ અમેરિકન સેના માટે બહુ મોટો ઝટકો છે.

