Surat,તા.૭
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કરી નાખ્યા છે. આખો દેશ સૂતો હતો ત્યારે ભારતીય સેના અને વાયુસેના પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કરી રહી હતી. પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ભારતની આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર નામ ખુદ પીએમ મોદીએ આપ્યું છે. આ ઓપરેશન બાદ પહલગામ આતંકી હુમલાના સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્ની શીતલ કળથિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, “ભારતે મારા પતિનો બદલો લીધો છે.”
આતંકી હુમલામાં મૃતક શૈલેષ કળથિયાના પત્ની શીતલ કળથિયાએ ઓપરેશન સિંદૂર અંગે મહત્વની વાત કહી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “મને ગવર્મેન્ટ પર પૂરેપૂરો ભરોસો હતો. આજે ખબર પડી કે, મોદીજીએ આતંકવાદીઓના ઠેકાણા શોધી શોધીને ત્યાં જઈને તેમને માર્યા છે. આ સાંભળી મને અને મારા પતિની આત્માને શાંતિ મળશે. આ સાથે પહલગામમાં જે અન્ય ૨૫ લોકોના મોત થયા છે. તે તમામની આત્માને શાંતિ મળશે. ભારતે મારા પતિનો બદલો લીધો છે.”
આ સાથે તેમણે જણાવ્યું છે કે, “જેમ મહારાષ્ટ્રની સરકારે તેમના લોકોને સહાય કરી છે તેમ ગુજરાત સરકાર પણ મને અને મારા બાળકોને સહાય કરશે અને ન્યાય અપાવશે.”
પહલગામમાં પોતાના પતિ અને દીકરાને ગુમાવનારા ભાવનગરના કાજલબેન પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે, મને આપણી સેના પ્રત્યે ખૂબ માન છે, હું ભારતીય સેનાને સલામ કરું છું. હું વડાપ્રધાન મોદીની પણ આભારી છું કે તેમણે જે રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે તે મારા પરિવાર માટે સાચી શ્રદ્ધાંજલી સમાન છે. આવા હુમલા કરીને પાકિસ્તાનનું નામ-નિશાન ખતમ કરી દેવું જોઈએ એવી મારી વડાપ્રધાન મોદીને પ્રાર્થના છે.
પીએમ મોદીએ પોતે એક બેઠકમાં સેનાને આ નામ સૂચવ્યું હતું. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનમાં જૈશ, લશ્કર અને હિઝબુલ મુજાહિદ્દીનના નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા ૭૦ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. ભારતે આ ઓપરેશન કેવી રીતે કર્યું, તેનો હેતુ શું હતો અને આતંકવાદીઓની કમર કેટલી તૂટી ગઈ, તેનો જવાબ ભારતે પોતે જ દુનિયાને આપ્યો છે. ભારતની ત્રણેય સેનાઓ દ્વારા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દુનિયાને એરસ્ટ્રાઈકના પુરાવા સાથે તમામ કારણો પણ આપ્યા છે.