New Delhi, તા.૩૦
આજે (૩૦ જાન્યુઆરી ૨૦૨૬) શશિ થરૂરે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તમામ અટકળોની વચ્ચે ખુલીને વાત કરી છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેમણે પોતાનું નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને કોઈ બીજી પાર્ટીનો હાથ નહીં પકડે. શશિ થરૂરે શુક્રવારે પાર્ટી છોડવાની અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથેની મુલાકાતના એક દિવસ બાદ જાહેરમાં કોંગ્રેસ પ્રત્યેની પોતાની વફાદારી ફરીથી બતાવી. જ્યારે તેમને સ્પષ્ટપણે પાર્ટી છોડવાની વાતને નકારવા માટે કહેવામાં આવ્યું, ત્યારે થરૂરે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે.
શશિ થરૂરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, “હું કોંગ્રેસમાં છું અને ક્યાંય જઈ રહ્યો નથી. હું કેરળ કેમ્પેઈનનો ભાગ બનીશ અને ેંડ્ઢહ્લની જીત માટે કામ કરીશ. આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં હું કોંગ્રેસનું નેતૃત્વ કરીને સૌથી આગળ રહીશ.” આ દરમિયાન થરૂરે રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, “તેઓ એવા નેતા છે જેમનું રાજકીય વલણ સ્પષ્ટ છે. તેઓ એવા નેતા છે જે સાંપ્રદાયિકતાનો વિરોધ કરે છે.”
થરૂરે સ્પષ્ટ કર્યું કે, “પાર્ટીનું વલણ સૌથી મહત્વનું છે, પરંતુ કેટલીક વખત તેઓ પોતાના વ્યક્તિગત મંતવ્ય પણ જણાવે છે.” તેમણે કહ્યું કે, “જે મુદ્દાઓ પર પાર્ટીનું કોઈ સ્ટેન્ડ હોય, તેના પર હું કોઈ બીજો અભિપ્રાય આપતો નથી. કેટલીક પરિસ્થિતિઓમાં હું મારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપું છું. જ્યારે મને વિકાસના મુદ્દાઓમાં કંઈક સારું લાગે છે, તો હું તેને જણાવું છું.” સિનિયર કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમનું ધ્યાન આંતરિક રાજકારણને બદલે રાષ્ટ્રીય મુદ્દાઓ પર છે. શશિ થરૂરે કહ્યું કે, “હું રાજકારણની વાત નથી કરવા માંગતો. હું દેશ માટે બોલવા માંગું છું. હું ૨૦૦૯થી આ જ કહી રહ્યો છું. પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડનો વિરોધ કરવાનો અધિકાર કોઈને નથી.” શશિ થરૂરનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલાં તેમણે પોતાની ફરિયાદો દૂર કરવા માટે સંસદ ભવન પરિસરમાં ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ એક કલાક પાંત્રીસ મિનિટથી વધુ ચાલી અને તેને કેરળ વિધાનસભા ચૂંટણી પહેલાં સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
