ભારતે આગનાં કારણે અંદાજે 1.4 લાખ હેક્ટર કુદરતી વન વિસ્તાર ગુમાવી દીધો
સ્પેન, પોર્ટુગલ, દક્ષિણ કોરિયા, કેનેડા, અમેરિકા અને યુરોપનાં દેશોમાં આગ લાગી.
કેનેડાની આગથી ત્રણ વર્ષમાં ચાર અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પહોંચ્યું.
આગમાંથી નીકળેલો ઝેરી ધુમાડો અમેરિકા, યુરોપ અને આફ્રિકા સુધી ફેલાઈ ગયો.
આ ઝેરી ધુમાડાના કારણે અંદાજે 82,000 લોકોનાં અકાળે મોત થયાં.
Norwich,તા.03
વર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે આગની ઝપેટમાં આવેલો કુલ વિસ્તાર ભલે ઓછો હોય, પરંતુ દુનિયાનાં અમીર અને ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં જંગલની આગે જૂના રેકોર્ડ તોડ્યાં છે.
બ્રિટન સ્થિત ઈસ્ટ એંગ્લિયા યુનિવર્સિટીનાં જળવાયું વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, વર્ષ 2025 માં વિશ્વભરમાં અંદાજે 33.5 કરોડ હેક્ટર જમીન આગની ઝપેટમાં આવી. વર્ષ 2002 પછી વૈશ્વિક સ્તરે આગ લાગવાની આ બીજી સૌથી ઓછી ઘટના છે.
વૈશ્વિક સ્તરે આ ઘટાડાનું મુખ્ય કારણ આફ્રિકા ખંડ છે. ત્યાં ઝડપથી વધી રહેલાં કૃષિ વિસ્તરણના કારણે સવાના ઘાસના મેદાનો નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા છે, જેના કારણે આગને દૂર સુધી ફેલાવા માટે જગ્યા નથી મળી રહી. આગનો કુલ વિસ્તાર ઘટવાથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો આવ્યો છે.
ભલે વિશ્વભરની સરેરાશ ઘટી હોય, પરંતુ સમૃદ્ધ અને આધુનિક વિસ્તારોમાં 2025 નું વર્ષ આગની આફતોના નામે રહ્યું. સ્કોટલેન્ડમાં લાગેલી ભીષણ આગે એકલાં જ એક લાખ હેક્ટરથી વધુ જમીનને બાળીને રાખ કરી દીધી.
લોસ એન્જલસના પેલિસેડ અને ઇટનમાં લાગેલી આગ અમેરિકાનાં ઇતિહાસની સૌથી વિનાશક ઘટનાઓમાં સામેલ થઈ ગઈ. તો બીજી તરફ દક્ષિણ કોરિયાએ સૌથી ઘાતક ફાયર સીઝન જોઈ.
સ્પેન-પોર્ટુગલમાં ગરમીનાં કારણે પાંચ લાખ હેક્ટર જમીન ખાખ થઈ ગઈ. 2025 માં હવામાન સંબંધિત આપત્તિઓના કારણે વીમા કંપનીઓને થનારા નુકસાનનો 38 ટકા હિસ્સો જંગલની આગનાં કારણે હતો.
નિષ્ણાતોના મતે, માનવ પ્રવૃત્તિઓના કારણે થઈ રહેલું કાર્બન પ્રદૂષણ આવી પરિસિ્થતિઓ ઉભી કરી રહ્યું છે. ભલે જંગલોની વચ્ચે આગ ઓછી લાગી રહી હોય, પરંતુ આ આગ હવે એ વિસ્તારો તરફ ઝડપથી વધી રહી છે, જેને ‘જંગલ-શહેરી સરહદ’ કહેવામાં આવે છે.
કયા દેશનાં વિસ્તાર બરાબર
33.5 કરોડ હેક્ટર (33.5 લાખ ચોરસ કિલોમીટર) નો વિસ્તાર આખા ભારતનાં કુલ ક્ષેત્રફળ બરાબર છે. ભારતનું કદ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, એટલે કે વર્ષ 2025માં દુનિયાનાં જંગલો અને મેદાનોમાં લાગેલી આગથી કુલ ભારત જેટલા જંગલો બળીને રાખ થઈ ગયા.
ભારતમાં પણ નથી અટકી રહી મુશ્કેલી
વર્ષ 2025માં ભીષણ ગરમી અને દુષ્કાળના કારણે ભારતનાં કેટલાક રાજ્યોને જંગલની આગનો સામનો કરવો પડ્યો. ગ્લોબલ ફોરેસ્ટ વોચના સેટેલાઇટ આંકડા અનુસાર, આ દરમિયાન દેશે આગનાં કારણે અંદાજે 1.4 લાખ હેક્ટર કુદરતી વન વિસ્તાર ગુમાવી દીધો હતો.
ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનાં પર્વતીય વિસ્તારો આ મોસમી આગથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા, જ્યાં ચીડના સૂકા પાંદડા અને અતિશય તાપમાન આગ ભડકવાનું મુખ્ય કારણ બન્યાં. આ સિવાય, કેટલીક જગ્યાઓ પર માનવીય પ્રવૃત્તિઓ અને બેદરકારી પણ આગની ઘટનાઓ વધારવા માટે જવાબદાર રહી.

