બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પાવાગઢથી પીંગલવાડા સુધી પસાર થતી વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં અર્થાત પાવાગઢથી વડોદરા વચ્ચે કેટલાક ચેકડેમ હતા
Ahmedabad,તા. 27
વિશ્વામિત્રી નદીમાં અવારનવાર આવતા પૂરના પાણીને અટકાવવા લાંબા ગાળાના આયોજન હેઠળ ૧૯ નવા ચેકડેમના નિર્માણની યોજના વિશ્વામિત્રી નદી પૂર નિવારણ તથા નિયંત્રણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
વિશ્વામિત્રી નદી પૂર નિવારણ તથા નિયંત્રણ સમિતિના અધ્યક્ષ બી.એન.નવલાવાલા તેમજ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં થોડા સમય પહેલા બેઠક યોજાઈ હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પાવાગઢથી પીંગલવાડા સુધી પસાર થતી વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં અર્થાત પાવાગઢથી વડોદરા વચ્ચે કેટલાક ચેકડેમ હતા. તેમાંથી અવારનવાર પૂર આવવાને કારણે ભારે નુકસાન થયું હતું તેનું પણ રીપેરીંગ કામ કરવામાં આવે તદુપરાંત નવા ૧૯ ચેકડેમ બનાવવા જોઈએ. જેથી પાવાગઢથી વડોદરા સુધી ખૂબ જ તીવ્ર ઝડપથી વડોદરામાં પ્રવેશતા વિશ્વામિત્રીના પાણીના પ્રેશરમાં ઘટાડો થઈ શકે તેમ છે.
બેઠકમાં કોર્પોરેશન દ્વારા રજુ થયેલી માહિતી મુજબ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વર્ષ-૨૦૨૪ના અહેવાલ પ્રમાણે વિશ્વામિત્રી નદીના પાણીનું મહત્તમ બીઓડી લેવલ ૮ એમજી પ્રતિ લિટર નોંધાયું છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધોરણો મુજબ પ્રદૂષિત નદીઓની પ્રાયોરિટી-૪ શ્રેણીમાં આવે છે. જોકે વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન નદીના પાણીની ગુણવત્તામાં આંશિક સુધારો નોંધાયો હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા ડ્રેનેજના ગંદા પાણીના કુલ ૧૬ આઉટફોલ પોઇન્ટ સંપૂર્ણપણે બંધ કરીને ૭૪ એમએલડી ગંદા પાણીનો પ્રવાહ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરી છે. બાકીના પાંચ આઉટફોલ પોઇન્ટમાંથી જતો ૩.૮ એમએલડી ગંદા પાણીનો પ્રવાહ પણ બંધ કરવા માટે ડ્રેનેજ અને વરસાદી લાઇનની કામગીરી હાથ ધરાઈ છે, જે આગામી ચારથી પાંચ મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે. નદીના પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે જીપીસીબીના સંકલનથી આઠ સ્થળોએ નિયમિત સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે.
માનવ અધિકાર આયોગની સમિતિએ શહેરના તમામ એસટીપી ૧૦૦ ટકા કાર્યરત રાખી ગંદા પાણીનું સંપૂર્ણ ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.
બેઠકમાં રીસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ કામગીરીના પરિણામો પણ રજૂ કરાયા હતા. વર્ષ-૨૦૨૪ના પૂર અને કામગીરી બાદના હાઇડ્રોલિક વિશ્લેષણના આધારે કરવામાં આવેલા લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં નદીની સપાટીમાં ૧.૩૩ મીટરનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવાયું હતું. તેમજ નદીની વહન ક્ષમતા ૭૫૦ ક્યુમેકથી વધારીને ૧૧૫૦ ક્યુમેક કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
સલાહકાર સમિતિમાં આજવાથી જાંબુવા નદી તેમજ વિશ્વામિત્રીથી મીની નદી ડાયવર્ઝન અંગે ફિઝિબિલિટી પ્રેઝન્ટેશન રજૂ કર્યું ત્યારે આ બંને પ્રોજેક્ટ માટે વિગતવાર અભ્યાસ અને ડિઝાઇન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત પાવાગઢથી વિશ્વામિત્રી નદી, આજવા ડેમથી જાંબુવા નદી અને મીની નદી ડાયવર્ઝન માટે ડ્રોન સર્વે તેમજ સિમ્યુલેશન મોડલ તૈયાર કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી.

