Surendranagar,તા.૧૮
Surendranagar જિલ્લાના ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી વિદ્યાલયની હોસ્ટેલમાં ૨૭૦થી વધુ વિદ્યાર્થિનીઓ રહીને અભ્યાસ કરે છે. ત્યારે આ વિદ્યાર્થિનીઓને ભોજનમાં કોઈ અખાધ વસ્તુ આવી જતાં ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનની અસર થતાં પેટમાં દુખાવો, ઝાડા અને ઊલટી થવા લાગી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીનીની સંખ્યા સતત વધતા ૧૦૮ દ્વારા લીંબડી અને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં અન્ય વિદ્યાર્થીનીઓને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
જમવામાં ખીર ખાધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનની અસર થવા છતાં હોસ્ટેલના વોર્ડન કે સંચાલકે વિદ્યાર્થિનીઓના પરિવારજનોને જાણ કરવાની પણ તસદી લીધી ન હતી. તેમજ હોસ્ટેલના વોર્ડન કે સંચાલક હોસ્પિટલ ખાતે જોવા ન મળતા વિદ્યાર્થિનીઓના વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર સંચાલક, વોર્ડન સહિતનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ફૂડ પોઇઝનથી અસરગ્રસ્ત ૨૫થી વધુ વિદ્યાર્થિનીઓને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મનપાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ સહિતના નેતાઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીઓને તત્કાલિક તમામ પ્રકારની જરૂરી સારવાર આપવા મામલે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાંચ જેટલી વિદ્યાર્થિનીઓની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી.

