Rajkot તા.4
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે. ગત વર્ષની સાપેક્ષમાં વિજ્ઞાન પ્રવાહના આ પરિણામમાં 0.25 ટકાનો વધારો થવા પામેલ છે. ગત વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા રહ્યું હતું.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટનું વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 1576 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં એ-વન ગ્રેડમાં રાજકોટ જીલ્લાના 199 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી તેજસ્વીતા પ્રસ્થાપિત કરી દીધી છે. જયારે સુરત જિલ્લાના 459 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન અંકિત કર્યું છે. એ-વન ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ આવેલ છે.
રાજયમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું પરિણામ 95.85 ટકા અને સૌથી ઓછું પરિણામ 57.44 ટકા દાહોદ જિલ્લાનું રહેવા પામેલ છે. જયારે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારીયા રહ્યું છે. કુંભારીયા કેન્દ્રનું 98.62 ટકા પરિણામ આવેલ છે.
જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્દ્ર દાહોદના લીંમડીનું 42.98 ટકા આવેલ છે. રાજયમાં 209 શાળાઓનું 100 ટકા પરિણામ આવેલ છે જયારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 22 રહી છે. રાજયમાં 11756 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડમાં ઉતીર્ણ થયા છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32 ટકા આવેલ છે. આ ઉપરાંત એ ગ્રુપનું પરિણામ 90.79 ટકા બી ગ્રુપનું પરિણામ 79.87 ટકા અને એ બી ગ્રુપનું પરિણામ 69.44 ટકા આવેલ છે. જયારે 20 ટકા પાસીંગ સ્ટાન્ડર્ડનો લાભ સાથે ઉતીર્ણ થયેલ દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 36ની રહી છે.

