Veraval તા.12
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.8 થી 11 દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન એ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી તા.15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં `સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે.
આ પર્વ અન્વયે વડાપ્રધાન ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ‘શૌર્યયાત્રા’ માં એક લાખ કરતા વધુ લોકો સહભાગી થયા હતાં અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં.
તા.8 થી 11 જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાયાં હતાં. એ જ શૃંખલામાં તા.15 જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે.
આ પર્વ અન્વયે વડાપ્રધાન ની ગરીમામય ઉપસ્થિતિમાં 72 કલાકનો અખંડ ઓમકાર નાદ, 3000 ડ્રોન નો મેગા શો અને 108 અશ્વોની શૌર્ય યાત્રા તેમજ વિવિધ રાજ્યો માંથી સોમનાથ ખાતે પધારેલા કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

