Mumbai,તા.15
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનને કારણે શેરબજાર આજે બંધ હતું. કોમોડીટી એક્સચેંજોમાં પણ સાંજ સુધી રજા જાહેર કરવામાં આવી હતી. તેની સોશ્યલ મીડિયામાં ભારે ટીકા થિ રહી છે.
ઝરોધાના સ્થાપક નીતીન કામથે શેર કરેલી પોસ્ટમાં એમ કહ્યું કે આંતરરાષ્ટ્રીયકક્ષાએ જોડાણ ધરાવતા શેરબજાર લોકલ ચૂંટણી માટે બંધ રખાયું તે નબળું પ્લાનીંગ તથા ગંભીર સ્થિતિ સુચવે છે. આ રજાનો કોઇએ વિરોધ ન કર્યો તે ગંભીર બાબત છે. વૈશ્વિક ઇન્વેસ્ટરો ગંભીર નોંધ લઇ શકે છે.
સોશ્યલ મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે સંસદ અથવા વિધાનસભાની ચૂંટણી હોય તો વસ્તુ અલગ છે. પરંતુ કોર્પોરેશન જેવી ચૂંટણીમાં માર્કેટ બંધ રખાઇ તે યોગ્ય નથી. ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકાસ પામતું અર્થતંત્ર છે.
દુનિયાભરના ઇન્વેસ્ટરો તથા નાણાં સંસ્થાઓ શેરબજાર સાથે સંકળાયેલા છે. ભૌગોલિક ટેન્શનની સ્થિતિમાં કેટલાક વખતથી વધઘટ પણ ઘણી મોટી થઇ રહી છે. તેવા સમયે માર્કેટ બંધ રહેવાથી ઇન્વેસ્ટરો ફસાઇ જાય તેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે.
કોમોડીટી એક્સચેંજને પણ સમાન સ્થિતિ લાગુ પડે છે. કારણ કે કેટલાક વખતથી સોના-ચાંદીના ભાવોમાં અસામાન્ય વધઘટ અને તેજી થઇ રહ્યા છે.

