Ahmedabad,તા.20
ગુજરાત હાઈકોર્ટે એક માર્ગ અકસ્માતના કેસમાં મૃતક મોટરસાઈકલ સવારના પરિવારને મોટી રાહત આપતા વળતરની રકમ વધારીને રૂ.1.07 કરોડ કરી છે. હાઈવે પર કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ વગર ગેરકાયદેસર રીતે ઉભેલા ટેન્કરના કારણે સર્જાયેલા અકસ્માતને ગંભીર ગણીને કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે વીમા કંપનીની અપીલને ફગાવી દીધી હતી અને ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરાયેલા રૂ.97 લાખના વળતરમાં વધારો કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસની વિગતો મુજબ, મૃતક જિજ્ઞેશકુમાર પારેખ પોતાની મોટરસાઈકલ પર ધીમી ગતિએ રોડની સાચી બાજુએ પાવાગઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોપીપુરા ચાર રસ્તા પાસે મુખ્ય સ્ટેટ હાઈવે પર અંધારામાં એક ટેન્કર કોઈપણ રિફ્લેક્ટર, પાર્કિંગ લાઈટ કે ચેતવણીના સંકેતો વગર રોડની વચ્ચે ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવ્યું હતું. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે મોટરસાઈકલ ટેન્કર સાથે અથડાઈ હતી અને ગંભીર ઈજાઓને કારણે જિજ્ઞેશકુમારનું મોત નીપજ્યું હતું. મૃતક હાલોલ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં સીનિયર મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.
વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે મૃતક પોતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યા હતા, પરંતુ હાઈકોર્ટે પુરાવાઓને આધારે આ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે માન્યું કે હાઈવે પર સુરક્ષાના સાધનો વગર ટેન્કર ઉભું રાખવું એ ડ્રાઈવરની સંપૂર્ણ બેદરકારી છે. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે અગાઉ રૂ.97.07 લાખનું વળતર આપ્યું હતું, જેમાં હાઈકોર્ટે ભવિષ્યની આવક અને અન્ય પાસાઓને ધ્યાને રાખીને વધારો કર્યો છે.
કોર્ટે વળતરની ગણતરીમાં મૃતકનો ગ્રોસ પગાર, જેમાં એચઆરએ, ગ્રેચ્યુઈટી અને અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે તેને ગ્રાહ્ય રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે ’લોસ ઓફ ક્ધસોર્ટિયમ’ (પરિવારના સભ્યોને થતી ખોટ) ની રકમ રૂ.40,000 થી વધારીને રૂ.1,93,600 કરી હતી. અંતિમ સંસ્કાર અને એસ્ટેટના નુકસાન માટેની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે પુન:મૂલ્યાંકન કરાયેલ કુલ વળતરની રકમ રૂ.1,07,32,684 વ્યાજ સાથે ચાર અઠવાડિયાની અંદર ટ્રિબ્યુનલમાં જમા કરાવવી. આ રકમની યોગ્ય ખરાઈ કર્યા બાદ નેફ્ટ (NEFT) અથવા આરટીજીએસ (RTGS) દ્વારા સીધી જ અરજદારોના ખાતામાં ચૂકવવાની સૂચના પણ આપવામાં આવી છે.

