Kerala,તા.08
કેરળ વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસ નેતાઓનો ઉત્સાહ ચરમ પર છે, ત્યારે તિરુવનંતપુરમમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપ કોલ્લમ બેઠક પરથી ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય બિન્દુ કૃષ્ણાને ભેટવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ધારાસભ્યએ તરત જ તેમને પાછળ હડસેલીને આગળ જવાનો પ્રયાસ કર્યો હતો.
આ વીડિયોમાં આગળ ચેરિયન ફિલિપ ફરીથી મહિલા ધારાસભ્યની નજીક ઉભેલા જોઈ શકાય છે. જ્યારે બિન્દુ કૃષ્ણા હાથ જોડીને આગળ વધી રહયા છે. ખાસ વાત એ છે કે, આ ઘટના પાર્ટીના અન્ય નેતાઓ, પત્રકારો અને કેમેરા ક્રૂની હાજરીમાં થઈ હતી. આ ક્લિપ જેવી ઑનલાઈન વાયરલ થઈ, તે સાથે જ યુઝર્સ ચેરિયન ફિલિપની ટીકા કરવા લાગ્યા.

