Babra, તા.22
વિશ્વ હિન્દુ પરિષદના બાબરા જિલ્લા કાર્યવાહક પૂર્વ અધ્યક્ષ તથા સમાજમાં સક્રિય ભૂમિકા ભજવનારા ભરતભાઈ રાદડિયા પર અસામાજિક તત્વો દ્વારા તેમની પોતાની દુકાનમાં ઘુસી છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટના માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ સમગ્ર બાબરા શહેરની સલામતી અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાને ખુલ્લો પડકાર છે. હુમલામાં ભરતભાઈ રાદડિયાને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ બાબરામાં સારવાર અપાઈ હતી, ત્યારબાદ હાલત નાજુક બનતાં તેમને આટકોટ કેડી પરવાડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ હુમલા બાદ બાબરા શહેરમાં ભય, રોષ અને અસમાધાનનો માહોલ છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે લુખ્ખા તત્વો, બેનંબરી ધંધા કરતા ગુનાખોરો અને અસામાજિક શક્તિઓને કોઈનો ડર રહ્યો નથી. પોલીસની ઢીલી નીતિના કારણે આવા તત્વો બેફામ બન્યા હોવાનો આક્ષેપ જનતા કરી રહી છે.
હુમલાખોરોને ઝડપથી પકડી કડકમાં કડક સજા કરવામાં આવે – નહિંતર જનરોષ વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી લોકો આપી રહ્યા છે. આ બનાવને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

