Ahmedabad,તા.22
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં પાસપોર્ટ ઈશ્યુ કરવાના મામલે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી પેન્ડિંગ હોય, તો તે વ્યક્તિને વિદેશ પ્રવાસનો અધિકાર છે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ સત્તાવાળાઓ પાસે નથી. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સત્તા માત્ર ટ્રાયલ કોર્ટ (નિચલી અદાલત) પાસે છે, જે વિદેશ પ્રવાસની મંજૂરી આપતી વખતે જરૂરી શરતો લાદી શકે છે.
આ કેસની વિગતો મુજબ, એક અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા કારણ કે તેની સામે આઈપીસીની કલમ 323, 504, 506 અને 114 હેઠળ એફઆઈઆર નોંધાયેલી હતી. આ મામલે તપાસ અધિકારીએ ‘બી-સમરી’ રિપોર્ટ (ગુનો ન બન્યો હોવાનો અહેવાલ) ફાઈલ કર્યો હતો, જેને મેજિસ્ટ્રેટ કોર્ટે સ્વીકારી લીધો હતો.
જોકે, આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવતા રિવિઝન અરજી મંજૂર કરવામાં આવી હતી. હાલમાં આ મામલો હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ દરમિયાન, અરજદારે પાસપોર્ટ માટે અરજી કરી હતી, પરંતુ પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીના વકીલે દલીલ કરી હતી કે જે નાગરિકો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા હોય, તેમણે પાસપોર્ટ માટે સંબંધિત કોર્ટમાંથી વિદેશ જવાની પરવાનગી મેળવવી અનિવાર્ય છે.
જસ્ટિસ અનિદ્ધ પી. માયીએ આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનું અવલોકન કર્યું હતું કે પાસપોર્ટ અધિકારીઓ એ નક્કી કરી શકતા નથી કે આરોપીને વિદેશ જવાનો હક છે કે નહીં.
અદાલતે મુંબઈ હાઈકોર્ટના અગાઉના નિર્દેશોનો હવાલો આપીને જણાવ્યું હતું કે પાસપોર્ટ સત્તાવાળાઓ કાયદા અને નિયમો મુજબ 10 વર્ષના સમયગાળા માટે પાસપોર્ટ ઈશ્યુ કરવા બંધાયેલા છે. વિદેશ પ્રવાસ માટેની પરવાનગી આપવાનું કામ સક્ષમ અદાલતનું છે, પાસપોર્ટ ઓફિસનું નહીં.
અદાલતે આદેશ આપ્યો હતો કે અરજદારની પાસપોર્ટ અરજી પર ચાર અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવે અને તેને 10 વર્ષની માન્યતા ધરાવતો પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવે.
જોકે, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અરજદારે જ્યારે પણ વિદેશ પ્રવાસ કરવો હોય, ત્યારે તેણે સંબંધિત ટ્રાયલ કોર્ટની પરવાનગી લેવી પડશે, જે પ્રવાસ માટે યોગ્ય શરતો લાદી શકે છે. આ ચુકાદાથી એવા અનેક લોકોને રાહત મળશે જેમના પાસપોર્ટ માત્ર પેન્ડિંગ કેસના કારણે રોકી રાખવામાં આવતા હતા.
