Ahmedabad,તા.22
ગુજરાત હાઈકોર્ટે વાહન અકસ્માતના એક કેસમાં વીમા કંપનીની આકરી ઝાટકણી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે વીમા પોલિસીનો રેકોર્ડ કે તેના પુરાવા રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની છે.
મૃતકના આશ્રિતોની નહીં. જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ આ કેસમાં વીમા કંપની દ્વારા જવાબદારીમાંથી છટકવા માટે અપનાવવામાં આવતા બહાનાઓ સામે લાલ આંખ કરી હતી. અગાઉ મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલે આ કેસમાં જે ક્ષતિઓ કરી હતી તેને સુધારીને હાઈકોર્ટે મૃતકના પરિવારને મળતા વળતરમાં મોટો વધારો કર્યો છે.
આ કેસ સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડા પાસે સર્જાયેલા અકસ્માતનો છે, જેમાં કમલેશ જશુભાઇ પટેલ નામના યુવકનું મોત થયું હતું. ટ્રિબ્યુનલે અગાઉ મૃતકની 20 ટકા બેદરકારી ગણાવી માત્ર 3.56 લાખનું વળતર મંજૂર કર્યું હતું.
જોકે, હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આ તર્કને ફગાવતા ઠરાવ્યું હતું કે અકસ્માત માટે સંપૂર્ણપણે જીપ ચાલક જ જવાબદાર હતો. અદાલતે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી કે ટ્રિબ્યુનલે મૃતકની સેલેરી સ્લીપ અને સુપરવાઇઝરી આવકના પુરાવાઓને અવગણીને વળતર નક્કી કરવામાં મોટી ભૂલ કરી હતી.
દાવેદારો વતી એડવોકેટએ દલીલ કરી હતી કે વીમા કંપનીએ વળતર ટાળવા માટે જાણીજોઈને રેકોર્ડ છુપાવ્યો હતો અને પુરાવાની જવાબદારી આશ્રિતો પર નાખી હતી. હાઈકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને ટ્રિબ્યુનલના વળતરના હુકમમાં સુધારો કર્યો છે.
હવે મૃતકના આશ્રિતોને કુલ 38.18 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને આ રકમ છ સપ્તાહની અંદર ટ્રિબ્યુનલ સમક્ષ જમા કરાવી દેવા કડક સૂચના આપી છે.

