મહિલાનું નામ ધારણ કરી ફેસબુકમાં વાત કરી ‘બીજીસી બ્રિક’ નામની એપમાં રોકાણના નામે પૈસા પડાવ્યાં’તા : વંથલીના નયન ટીલવાને દબોચ્યો
Upleta,તા.27
ઉપલેટાના વેપારી સાથે રૂ.૭૯ લાખનું સાયબર ફ્રોડ આચરનાર સૂત્રધારને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. મહિલાના નામે ફેસબુકમાં વાત કરી પોતે આરવ બુટીક એન્ડ કોસ્મેટિક નામનો મોલ ચલાવે છે ખોટી વાત કરી બીજીસી બ્રિક નામની એપમાં પૈસા રોકાણના નામે પડાવ્યાં હતાં.
બનાવ અંગે ઉપલેટાના નાનીવાવડી ગામે રહેતાં સંજયભાઈ રમણીકભાઈ ડઢાણીયા (ઉ.વ.૪૫) ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રઘુવિર નામની કમીશન એજંટ તરીકેની પેઢી ધરાવી ખેત ઉતપાદનોની લે-વેચ કરે છે. તેઓને એક મહિલા આરોપીએ ફેસબુકમાં ફ્રેંડ રીકવેસ્ટ મોકલી વોટ્સએપ નંબર આપી પોતે આરવ બુટીક & કોસ્મેટિક નામનો મોલ ચલાવે છે, તેવી ખોટી વાત કરી બીજીસી બ્રિક નામની એપમાં પૈસા રોકાણ કરવાનું કહી આરોપીએ પોતાના બીજીસી બ્રિક એપમાં યુઝરનેમ, પાસવર્ડ આપી અલગ અલગ તારીખે અલગ અલગ એકાઉંટમાં રૂ.૩૮ લાખ ટ્રાંસફર કરાવી તેમાથી થયેલ નફાની રકમ વિડ્રો કરવા ટેક્ષ તથા કંવર્જેશન ચાર્જના બહાને અન્ય રૂ.૪૧,૭૧,૦૬૮ અલગ અલગ એકાઉટમાં ટ્રાંસફર કરાવી વધુ પૈસા કમાવવાની લાલચ આપી કુલ રૂ.૭૯,૭૧,૦૬૮ ની ફરીયાદી સાથે વોટસએપ તથા ફેસબુકથી ઠગાઈ કરી સાયબર ફ્રોડ આચર્યું હતું. જે મામલે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.એલસીબીની ટીમો સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાયબર ફ્રોડના ગુનામાં છ માસથી ફરાર આરોપી નયન કાંતી ટીલવા (ઉ.વ.૫૪, રહે.વંથલી ગામ પટેલ ચોક) ને ઉપલેટા બસસ્ટેન્ડ પાસે ચોકમાંથી પકડી પાડી કાર્યવાહી કરી હતી.
