Una તા. 3
ઉના તાલુકાના સનખડા ગામમાં છેલ્લા કેટલાક સમય થી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્તીની દૃષ્ટિએ મોટું અને આસપાસના પાંચથી વધુ ગામો સાથે જોડાયેલું સનખડા ગામ લાલ મરચાના હબ તરીકે પણ જાણીતું છે.
ગામના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે અંધકાર છવાઈ જાય છે. સનખડાના વાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ, ખાસ કરીને સિંહનો વસવાટ જોવા મળે છે. ઘણી વખત સિંહ ગામમાં પણ આવી ચડે છે, ત્યારે રાત્રિના અંધકારમાં ગ્રામજનો માટે બહાર નીકળવું મુશ્કેલ અને જોખમી બની જાય છે.
ગ્રામજનો દ્વારા વર્તમાન સરપંચને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરવામાં આવી છે. જોકે, નાની-નાની બાબતોમાં રજૂઆતો કરતા કેટલાક સ્થાનિક આગેવાનો પણ સ્ટ્રીટ લાઈટના મુદ્દે મૌન સેવી રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.ગ્રામજનોની માંગ છે કે જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે, ત્યાં તાત્કાલિક ધોરણે તેને કાર્યરત કરવામાં આવે, જેથી રાત્રિના અંધકારમાંથી મુક્તિ મળે અને લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.

