Bhuj, તા.6
કરણી સેનાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લાવવામાં આવેલા નવા કાયદા સામે ખુલ્લેઆમ વિરોધની તૈયારી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ આ કાયદાને “કાળો કાયદો” ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે ખાસ કરીને કહ્યું કે, “કોઇ પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ.”
મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે યુજીસીના આ નવા નિયમોમાં જનરલ કેટેગરીના બાળકોને પહેલેથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. પહેલાથી જ નક્કી કરી દેવાયું છે કે તમે શોષણ કરી રહ્યા છો. કરણી સેના આ મુદ્દે લડવા માટે પૂરેપૂરી તૈયાર છે અને જરૂર પડે તો મોટા આંદોલનની રણનીતિ અપનાવશે.
કરણી સેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ અને નોકરીની તકોમાં અન્યાય કરે છે. સંગઠનનું માનવું છે કે આ કાયદો લાગુ થવાથી જનરલ કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ જશે અને તેમને અન્યાયી રીતે દોષિત ઠેરવવામાં આવશે.
મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે, “જનરલ કેટેગરીના કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ન ખરાબ થવું જોઈએ. અમે આ માટે લડી લેવાના મૂડમાં છીએ.” જો આ કાયદો પાછો ન ખેંચવામાં આવ્યો તો સંગઠન દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવશે.
આ મુદ્દો હાલ ગુજરાત સહિત દેશભરમાં ચર્ચામાં છે. કરણી સેના જેવા સંગઠનો અગાઉ પણ રિઝર્વેશન અને શિક્ષણ નીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર આક્રમક રહી છે. આ વખતે પણ તેમનું ધ્યાન જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અધિકારો અને ભવિષ્યને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત છે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાઈ શકે છે.

