Morbi તા.18
મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં ભાજપના ઉમેદવારો તથા પ્રબુધ્ધ નાગરીઓ સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં ખાસ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા અને ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાના છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે મોરબી જિલ્લમાં આવ્યા છે અને મોરબી કમલમ કાર્યાલય ખાતે મનપા ભાજપના તમામ ઉમેદવારો તેમજ પ્રબુદ્ધ નાગરિક ઉદ્યોગકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના દુશાસન વખતેના ભૂતકાળના દિવસો મોરબીએ જોયેલા છે ભાજપના સુશાસનના દિવસો પણ જોયા છે ત્યારે ભૂતકાળના દિવસો પાછા ન આવે તેવું ઈચ્છતા હોય તો મોરબી જિલ્લા અને ગુજરાતનો વિકાસ રોકવાનો પ્રયાસ કરનારાઓને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાના છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણી માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર કાર્યાલય ખુલતા હોય છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર કોઈ માણસો દેખાતા નથી કારણ કે સમાજ જીવનમાં જૂઠાણું ટૂંકા સમય માટે ચાલે છે, લાંબા સમય સુધી ચાલતું નથી.
અંતમાં કહ્યું હતું કે, કોઈપણ જગ્યાએ જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ આગેવાન ચૂંટાશે તો મોરબીનો વિકાસ રુંધવાનું કામ કરશે આ ચૂંટણીમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને આ વખતે ચૂંટણીમાં જેઓને ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે.
તેઓને સંબોધતા કહ્યું હતું કે વર્ષો સુધી ભાજપના કાર્યકર્તાઓ પોતાના વિસ્તાર અને વોર્ડની અંદર કામ કરતા હોય છે અને તેઓના કામના લીધે જ ભાજપના ઉમેદવારો વિજય બનીને કોર્પોરેટર અને સદસ્ય બનતા હોય છે જેથી તમારા મત વિસ્તારમાંથી અડધી રાતે જો કોઈપણ નાગરિકનો ફોન આવે તો હસતા મોઢે તેના કામ કરવાની દરેક ઉમેદવારે તૈયારી રાખવાની છે. તેવી ટકોર કરી હતી.
હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતુ કે, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના લોકોને આઝાદી મળી ત્યારે આઝાદીના લડવૈયાઓ દ્વારા લોકોને વીજળી મળે, સારા રોડ રસ્તા મળે, સારી આરોગ્યની સેવાઓ મળે તેવા અનેક સપના જોયા હતા.
જો કે, કોંગ્રેસના શાસન વખતે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભૂતકાળના દિવસોને યાદ કરીને સભામાં આવેલા વડીલો સહિતના લોકો હાજર હતા તેઓએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી જવું હોય તો કેટલો સમય લાગતો હતો ત્યારે સામેથી જવાબ આવ્યો હતો કે દોઢ થી બે કલાક જો કે, આજે ભાજપની સરકારે ટનટન રોડ બનાવી દીધા છે જેથી માત્ર અડધા થી પોણા કલાકમાં જ મોરબી સુધી પહોચી જવાય છે, આ વિકાસ છે જો કે, તે કોંગ્રેસને દેખાતો નથી તેમ કહીને કોંગ્રેસને આડે હાથે લઈને ટોણો માર્યો હતો.

