Amreli, તા.18
લીલીયા તાલુકાના સનાળીયા ગામે પાંચ દિવસ પહેલાં ફાઇનાન્સથી લીધેલ મોટર સાયકલના હપ્તા ભરવા બાબતે એક રત્ન કલાકાર તથા આરોપી વચ્ચે મનદુઃખ થયેલ હોય તે બનાવમાં સમાધાન કરવાં ગયેલ નિર્દોષ યુવક ઉપર 6 જેટલાં આરોપીઓએ જીવલેણ હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં લીલીયા તાલુકાના સનાળીયા ગામે ગત તા.12ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસા મારામારીની ઘટના બની હતી. જેમાં સનાળીયા ગામે રહેતા યુવરાજ ભરતભાઈ ઢીમેચા નામના વર્ષીય રત્નકલાકારે તે જ ગામના રહેતા આરોપી અજય ભીખાભાઈ મકવાણાના નામ પર ફાઇનાન્સથી મોટર સાયકલ લીધેલ હતી. અને રત્નકલાકારે આરોપીને ફાઇનાન્સના હપ્તા ભરવા પૈસા આપતા હતા. પરંતુ આરોપી હપ્તા ભરતા ના હતા.
જે બાબતે રત્ન કલાકાર તથા આરોપી વચ્ચે મન દુઃખ અને બોલાચાલી થતા આરોપીએ આ બાબતની જાણ પોતાના ભાઈ સાગર ભીખાભાઈ મકવાણાને કરતા તેમણે રત્ન કલાકાર પાસે જઈ માર મારવાની ધમકી આપેલ હતી.
બાદમાં રત્નકલાકાર સાથે મહેન્દ્રભાઈ તનસુખભાઈ ઢીમેચા આરોપી સાથે સમાધાનની વાતચીત કરવા માટે ગયેલ હતાં. ત્યારે આરોપી સાગર મકવાણા સહિત 6 આરોપીઓએ એક સંપ કરી ઉશ્કેરાઇ જઈ રત્નકલાકાર તથા મહેન્દ્રભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી, લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો મહેન્દ્રભાઈના માથાના ભાગે મારી ગંભીર ઈજા કરી હતી.
આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ મહેન્દ્રભાઈ તનસુખભાઈ ઢીમેચા નામનાં 24 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં 6 આરોપીઓને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

