New Delhi,તા.18
સુપ્રીમ કોર્ટે યોન સંબંધિત ગુનાઓના મામલામાં એક ઐતિહાસિક અને દાખલોબંધક નિર્ણય આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈ મહિલાને ખોટા ઇરાદાથી પકડવું અને તેની સલવારનો નાડો ખોલવો માત્ર `છેડછાડ’ અથવા રેપની તૈયારી નહીં, પરંતુ સીધી રીતે `રેપનો પ્રયાસ’ (Attempt to Rape) ગણવાય છે.
અદાલતે કહ્યું છે કે આવી હરકતોને ઓછી કડક ગુનાઓ તરીકે મંજૂર કરવી ન્યાયના ભાવના વિરૂધ્ધ છે. આથી સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇ કોર્ટના માર્ચ 2025 માં આપવામાં આવેલા નિર્ણયને રદ કરી દીધા છે, જેમાં હાઇ કોર્ટે તેને માત્ર મહિલાની લજ્જા ભંગ કરવાનો મામલો માન્યો હતો.
હાઇ કોર્ટના વિવાદાસ્પદ ચુકાદા બાદ આ મામલે વ્યાપક ચર્ચા ઊભી થઈ હતી. એનજીઓ `વી દ વુમન’ની સ્થાપક અને વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા દ્વારા લખાયેલા પત્રને આધારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સ્વપ્રેરિત નોંધ લીધી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ, જેમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ એન.વી. અંજારિયાનો સમાવેશ થતો હતો, દ્વારા વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી. અદાલતે હાઇ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે ખારિજ કરીને POCSO અધિનિયમ હેઠળ `રેપના પ્રયાસ’ના મૂળ અને ગંભીર આરોપોને ફરીથી બહાલ કર્યા.
ચીફ જસ્ટિસે પોતાના ચુકાદામાં નોંધ્યું કે યૌન ગુનાઓ જેવા સંવેદનશીલ કેસોમાં ન્યાયાધીશોએ વિશેષ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે. પીડિતાની પરિસ્થિતિ, માનસિક આઘાત અને ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખ્યા વિના માત્ર ટેકનિકલ દ્રષ્ટિકોણ અપનાવવો યોગ્ય નથી.
અદાલતે કહ્યું કે કોઈ પણ ન્યાયાધીશ ત્યારે જ પૂર્ણ ન્યાય આપી શકે, જ્યારે તે મામલાના તમામ તથ્યોને માનવીય અને કણાભર્યા અભિગમથી સમજે. આ પ્રકારના ગુનાઓને હળવા રીતે લેવાની વૃત્તિ કાયદાના ઉદ્દેશને નુકસાન પહોંચાડે છે.
સુપ્રીમ કોર્ટે માત્ર હાઇ કોર્ટનો ચુકાદો રદ કર્યો નથી, પરંતુ ભવિષ્યમાં આવા કેસોમાં સંવેદનશીલ અભિગમ સુનિશ્ચિત થાય તે માટે પગલાં પણ સૂચવ્યા છે. અદાલતે નેશનલ જ્યુડિશિયલ એકેડમીના નિર્દેશક અને પૂર્વ જસ્ટિસ અનિરૂધ્ધ બોસને નિષ્ણાત સમિતિ રચવાનો આદેશ આપ્યો છે.
આ સમિતિ યૌન સંબંધિત ગુનાઓ અને અન્ય સંવેદનશીલ કેસોની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશો માટે માર્ગદર્શિકા તૈયાર કરશે, જેથી પીડિતાની માન-મર્યાદા અને ન્યાયની ભાવના જળવાઈ રહે. અદાલતે ખાસ સૂચન કર્યું છે કે માર્ગદર્શિકા સરળ અને સ્પષ્ટ ભાષામાં તૈયાર કરવામાં આવે.

