પૈસાની લેતીના મુદ્દે મામા-ફઈના ભાઈ વચ્ચેની બબાલ રક્તરંજિત બની
રીસામણે ગયેલી પત્નીને તેડવા આવેલા હર્ષદ પરમાર પર ચાર શખ્સોનો હુમલો,સારવાર દરમ્યાન ઘવાયેલ યુવકનું મોત
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.21:
સાવરકુંડલા ગામે ગત તા. 15ના રોજ પૈસાની લેતીદેતી મામલે મામા-ફઈના ભાઈ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બની જતાં રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામના એક યુવકની નિર્મમ Murder કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં સાવરકુંડલા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે રહેતો હર્ષદ પરમાર પોતાની પત્ની સાવરકુંડલા ગામે રીસામણે હોય તેણીને તેડવા માટે સાવરકુંડલા આવ્યો હતો. આ દરમિયાન પૈસાની બાબતે આ યુવક અને ફઈના દીકરા જગદીશ પરમાર સહિતના વચ્ચે બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ હતી. મામલો ઉગ્ર બનતાં આરોપીઓએ હર્ષદ પરમાર પર લોખંડના પાઈપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં હર્ષદ વિપુલભાઈ પરમારને માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન હર્ષદ પરમારનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ રોષ અને પૈસાની લેતીદેતીના મુદ્દે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા પોલીસ કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે Murderના ગુનામાં મુખ્ય આરોપી જગદીશ પરમારની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય દયાબેન જગદીશ પરમાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે બાબરીયાધાર તથા સાવરકુંડલા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ સાથે ઘટનાની વધુ તપાસ આગળ ધપાવવામાં આવી છે.(1) જગદિશભાઇ સુખાભાઇ પરમાર (2) દયાબેન જગદિશભાઇ પરમાર તથા બે અજાણ્યા ઇસમો રહે. સાવરકુંડલા જી.અમરેલી

