(રવિ નિમાવત દ્વારા) Morbi તા.21:
Morbi પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુની ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક બનાવમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતાં પરિણીતાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બનાવોમાં લાલપરની કંપનીમાં શ્રમિકનું મોત થયું હતું અને પીપળી ગામે ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી સીટી એ ડીવીઝન અને તાલુકા પોલીસે આ ત્રણેય બનાવો અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, Morbi ના દલવાડી સર્કલ પાસે આવેલી ગોકુલ મથુરા સોસાયટીના વિનાયક હાઇટ્સમાં રહેતા ઉર્વશીબેન નિકુંજભાઇ ભીમાણી (ઉંમર વર્ષ 36) વિનાયક હાઇટ્સ બિલ્ડિંગના સાતમા માળના ધાબા ઉપરથી નીચે પટકાઈ ગયા હતા. સાતમા માળેથી નીચે પડવાને કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં, Morbi નાં લાલપર ગામની સીમમાં કાર્યરત ઓરબીટ કંપનીમાં એક શ્રમિકનું અચાનક મોત નીપજ્યું હતું. અહીં મજૂરી કામ કરતા સત્યવહન બેહરા ગોવર્ધન બેહરા (ઉંમર વર્ષ 43) નામના પ્રૌઢ કંપનીમાં કોઈ કારણોસર અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
ત્રીજા બનાવની વિગત મુજબ, Morbi તાલુકાના પીપળી ગામે મચ્છુ માતાની ડેરી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, આશરે 40 થી 45 વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ મૃત્યુ પામ્યો હતો, પોલીસને જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃત્યુ પામનાર વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોવાનું તપાસ કરનાર અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

