New Delhi,તા.19
સુપ્રીમ કોર્ટે ભાઈ-ભતીજાવાદ (નેપોટિઝમ) અને સ્વાર્થપરતાને લોકતાંત્રિક વ્યવસ્થા માટે ઘોર અપરાધ ગણાવ્યા છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓની સોસાયટીમાં આવા કૃત્યોને ‘લોકતંત્ર પર અભિશાપ’ તરીકે ગણાવતાં કોર્ટે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટી દ્વારા કરાયેલી બે સુપર ડીલક્સ ફ્લેટ્સની ફાળવણીને રદ્દ કરી દીધી છે.
જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વિનોદ ચંદ્રનની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પણ પલટાવી નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે સોસાયટીના ગવર્નિંગ બોડીના સભ્યોએ પોતાના પદનો દુરુપયોગ કરીને પોતાને અને તેમના કર્મચારીઓને ફાયદો પહોંચાડ્યો હતો.
“નેપોટિઝમ અને સ્વાર્થપરતા લોકતાંત્રિક વ્યવસ્થા માટે અસ્વીકાર્ય છે, ખાસ કરીને જ્યારે તે સરકારી કર્મચારીઓની સોસાયટીમાં થાય છે,” બેન્ચે ટિપ્પણી કરી.
કેસની પૃષ્ઠભૂમિ
અપીલ કરનાર દિનેશ કુમાર, જે અર્બન એસ્ટેટ અને ટાઉન એન્ડ ક્નટ્રી પ્લાનિંગ કર્મચારીઓની વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (HEWOO)ના સભ્ય છે, તેમણે એડવર્ટાઈઝમેન્ટ હેઠળ બે હાઈ-એન્ડ સુપર ડીલક્સ ફ્લેટ્સ માટે અરજી કરી હતી.
તમામ પાત્રતા પૂર્ણ કરી હતી. પરંતુ સોસાયટીના ગવર્નિંગ બોડીએ પોતાના સભ્યો અને કર્મચારીઓને પ્રાથમિકતા આપીને ફ્લેટ્સ ફાળવ્યા હતા. હાઈકોર્ટે આમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો, જેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
કોર્ટના મુખ્ય આદેશો
1. બંને ફ્લેટ્સની ફાળવણી રદ્દ કરવામાં આવી. અલોટીઓએ એક મહિનામાં જમા રકમ પરત કરીને ફ્લેટ્સ ખાલી કરવા.
2. HUDA પર રૂ।.1 લાખ, BB ગુપ્તા પર રૂ।.50,000 અને પૂનમ ચંદ પર રૂ।.25,000નો દંડ ફટકારવામાં આવ્યો.
3. HUDAએ અપીલકર્તાને રૂ।.50,000ની લિટીગેશન ખર્ચ તરીકે ચૂકવવા.
4. બાકીના દંડ સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટીમાં બે મહિનામાં જમા કરાવવા.
5. કોર્ટે ભાર મૂક્યો કે સરકારી સંસ્થાઓ અને વેલ્ફેર બોડીઓમાં પારદર્શિતા અને મેરિટના આધારે સંસાધનોની વહેંચણી થવી જોઈએ.
આ નિર્ણય લોકતંત્રમાં સ્વાર્થ અને ભાઈ-ભતીજાવાદ સામે કડક કાર્યવાહીનો મજબૂત સંદેશ આપે છે અને જાહેર સંસાધનોના યોગ્ય વિતરણ માટે મહત્વપૂર્ણ નજીર બની શકે છે.

