Ahmedabad,તા.21
ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક ખાનગી બેઠકને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાજુ કરપડા વચ્ચે અમદાવાદ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ મુલાકાત લાલજી દેસાઈના નિવાસસ્થાને થઈ હોવાનું જાણવા મળે છે. બેઠકમાં કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો પણ હાજર રહ્યા હતા.બેઠકમાં કોંગ્રેસના અગ્રણી ખેડૂત નેતા પાલ આંબલિયા પણ હાજર રહ્યા હતા.
રાજુ કરપડાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યું છે. 11 ફેબ્રુઆરીએ તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને બીજા દિવસે પાર્ટી પર બોટાદમાં ખેડૂત આંદોલન દરમિયાન હિંસાના કેસમાં જામીન માટે પૂરતા પ્રયાસો ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અઅઙના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાની ટીકા પણ કરી હતી. અઅઙએ રાજીનામા પાછળ ભાજપના દબાણનો દાવો કર્યો હતો.
બેઠક અંગે પૂછતા પાલ આંબલિયાએ કહ્યું કે આ કોઈ ઔપચારિક બેઠક કે મિટિંગ ન હતી, પરંતુ લગ્નમાં ભેગા થવાનું સંયોગ હતું. તેમણે વધુમાં કહ્યું, `રાજુભાઈ અમારી સાથે આવે તો મજા આવે, ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવે.’ આ નિવેદનથી એવી અટકળો વેગ પકડી છે કે કોંગ્રેસ રાજુ કરપડાને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી ગ્રામીણ અને ખેડૂત વિસ્તારોમાં પક્ષની પકડ મજબૂત થાય.
આ ગુપ્ત મુલાકાતથી રાજ્યના રાજકારણમાં ચર્ચા જાગી છે. કેટલાક સૂત્રો અનુસાર આ બેઠકમાં રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડાવા માટે આડકતરૂ આમંત્રણ આપવામાં આવ્યું હોઈ શકે છે. હાલ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટના આગામી રાજકીય ઉલટફેર અને સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
બેઠકને લઈને સત્તાવાર રીતે કોઈ રાજકીય નિર્ણય જાહેર થયો નથી. કોંગ્રેસ તરફથી પણ આ બેઠકને સામાન્ય સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી રહી છે. જોકે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં પક્ષાંતરણ અથવા નવી રાજકીય ગોઠવણ અંગે કોઈ નિર્ણય થઈ શકે છે.

