Jam Khambhaliya, તા. 26
પીજીવીસીએલની ખંભાળિયા વિભાગ કચેરી દ્વારા ગઈકાલે બુધવારે વીજ બિલના બાકીદારોના વીજ જોડાણ રદ કરવા માટે મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય કચેરી હેઠળની શહેર પેટા વિભાગ કચેરી, ગ્રામ્ય પેટા વિભાગ કચેરી, વડત્રા પેટા વિભાગીય કચેરી, રામનગર પેટા વિભાગીય કચેરી અને ભાણવડ પેટા વિભાગીય કચેરીઓના કુલ અંદાજે 1500 વીજ ગ્રાહકોની અંદાજે રૂ. 52.76 લાખ જેટલી રકમ બાકી હોય, જેઓના વીજ જોડાણ કાપવા માટે અંદાજે કુલ 50 ટીમો બનાવવામાં આવી હતી.
બુધવારે સવારથી જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી ડીસકનેક્શન અંગેની કામગીરીમાં કુલ 715 વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. જેની રકમ રૂ. 29.28 લાખ થવા પામે છે. ઉપરોક્ત તમામ પેટા વિભાગીય કચેરીમાં 347 વીજ ગ્રાહકો દ્વારા અંદાજે 10.74 લાખ રકમની રકમ ઓફિસ ખાતે ભરપાઈ કરવામાં આવી હતી.
ખંભાળિયા વિભાગીય કચેરી હેઠળની આ મેગા ડીસકનેક્શન ડ્રાઈવમાં કુલ 1062 વીજ ગ્રાહકોની અંદાજે કુલ રકમ 40.02 લાખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલ્ટીમેટમ બાદ પીજીવીસીએલની પ્રથમ વખત કરવામાં આવેલી આ પ્રકારની કડક કાર્યવાહીથી વીજબીલ બાકીદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ડ્રાઈવ આગામી સમયમાં પણ જારી રહેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

