Jamnagar,તા.01
ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગેની તપાસમાં સિનિયર પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા તપાસના અંતે હત્યાની જુદી જુદી કલમ હેઠળ ગુના સંદર્ભેનું ચાર્જશીટ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.
જે અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા સરકાર તરફે અહીંના સરકારી વકીલ કે.સી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ, અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી, આજીવન કેદની સજા તથા રૂ. એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે રહેતા વિજયભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે કોઈ અગમ્ય કારણોસર લીમડાના ઝાડ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રેખાબેન વિજયભાઈ ચૌહાણએ કલ્યાણપુર પોલીસને કરી છે.
વૃધ્ધનું મૂર્છિત હાલતમાં મૃત્યુ
ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા હીરાભાઈ સાજણભાઈ સાદીયા નામના 64 વર્ષના વૃદ્ધ બુધવાર તારીખ 29 ના રોજ બપોરના સમયે જમીને સુતા હતા. ત્યાર બાદ સાંજના સમયે તેમને ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા ન હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ મનસુખભાઈ સાજણભાઈ સાદીયાએ ભાણવડ પોલીસને કરી છે.
ધમકી ફરિયાદ
ઓખા મંડળ નાગેશ્વર વિસ્તારમાં રહેતા માણસીભા રાઘાભા માણેક નામના 59 વર્ષના પ્રૌઢ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા હરીસંગભા પાલાભા સુમણીયા એ બિભત્સ ગાળો કાઢી, બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જુગાર રમતા ત્રણ ઝડપાયા
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે સાહિલ સુલેમાન થૈયમ, બશીર સુલેમાન સુમારીયા અને મહેશ માધુભાઈ ચુડાસમાને રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂ. 5,220 નો મુદામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

