Morbi, તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના રહેવાસી રમેશભાઈ જાદૂભાઈ ઓગાણિયા (40) નામનો યુવાન તા. 21 ના રોજ રાત્રિના ચરાડવા અને સમલી ગામ વચ્ચેના રોડ ઉપરથી બાઈક નંબર જીજે 13 બીએમ 0650 લઈને પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું.
જે બનાવમાં રમેશભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવની મૃતક યુવાનના ભાઈ જીવણભાઈ જાદુભાઈ ઓગાણિયા (38) રહે. નાડધ્રી વાળાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ ભવાની હાર્ડવેર ની બાજુમાં અવળા પાસે ગટરની બાજુમાં આવેલા ઉકરડામાં તાજુ કે કાચું જન્મેલ નવજાત બાળક જીવિત અથવા મૃત હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હોય તે રીતે મળી આવ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મેરૂપર ગામે રહેતા રાજુભાઈ વશરામભાઈ ખેર (50) નામના આધેડની ફરિયાદ લઈને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધીને નવજાત બાળકને ત્યજી દેનાર માતા-પિતાને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

