Ahmedabad,તા.6
ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છના વંધાય ગામમાં આવેલા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા ઈશ્વર આશ્રમના સંચાલન અંગેના લાંબા સમયથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રાયની ખંડપીઠે આ મામલે સિંગલ જજના અગાઉના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ નિર્ણય સાથે હવે આશ્રમનો વહીવટ વર્તમાન મહંત સાધુ મોહનદાસજી ગુરુ કરશનદાસજી પાસે જ રહેશે.
આ વિવાદની વિગતો મુજબ, ભરતદાસજી મહારાજ અને અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા વર્તમાન મહંતની ટ્રસ્ટી તરીકેની સત્તાને પડકારતી અપીલ દાખલ કરવામાં આવી હતી. અગાઉ ડિસેમ્બર 2025માં જસ્ટિસ જે. એલ. ઓડેદરાએ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી ચેરિટી સત્તાધારીઓ સમક્ષ ઉત્તરાધિકાર અને ટ્રસ્ટના વહીવટ અંગેનો મુખ્ય વિવાદ પેન્ડિંગ હોય ત્યાં સુધી આશ્રમના હાલના સંચાલનમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. આ હુકમ સામે થયેલી અપીલોને હાઈકોર્ટની ડિિવઝન બેન્ચે ફગાવી દીધી છે અને ચેરિટી કમિશનરને આ સમગ્ર વિવાદનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી છે.
સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ જી. એચ. વિર્ક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાધુ મોહનદાસજી વર્ષ 2012માં તેમના ગુરુના નિધન બાદથી સતત આશ્રમનું સંચાલન કરી રહ્યા છે. એક દાયકા કરતા વધુ સમયથી આશ્રમ તેમના નેતૃત્વ હેઠળ કાર્યરત છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોય તેવા સમયે વચગાળાના આદેશો દ્વારા વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થાને ખોરવવી યોગ્ય નથી. કોર્ટે રાજ્ય સરકારની આ દલીલને ગ્રાહ્ય રાખી હતી કે ધાર્મિક સંસ્થાઓમાં વહીવટી સ્થિરતા જાળવવી અનિવાર્ય છે.
વંધાય તીર્થ ધામ તરીકે ઓળખાતો ઈશ્વર આશ્રમ કચ્છના સરહદી વિસ્તારમાં સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે. આ સંસ્થા માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ શિક્ષણ, સંસ્કૃતિ અને ગ્રામીણ ઉત્થાનના કાર્યોમાં પણ અગે્રસર રહી છે. સરહદી પટ્ટી પર તૈનાત સુરક્ષા દળોને મદદરૂપ થવા સહિતના સેવાકાર્યોને કારણે આ આશ્રમ સ્થાનિક લોકોમાં વિશેષ આદર ધરાવે છે.
આશ્રમના ઉત્તરાધિકારનો વિવાદ સાધુ કરશનદાસજી ગુરુ શાંતિરામજીના નિધન બાદ શરૂ થયો હતો, જેમાં એક પક્ષે કમિટી દ્વારા વહીવટની માંગ કરી હતી જ્યારે સાધુ મોહનદાસજીએ પરંપરાગત ‘ચાદર વિધિ’ મુજબ પોતે વારસદાર હોવાનો દાવો કર્યો હતો.
હાઈકોર્ટના આ તાજેતરના ચુકાદા બાદ હવે ચેરિટી કમિશનરે આગામી બે મહિનામાં આ કેસનો આખરી નિકાલ લાવવાનો રહેશે. ત્યાં સુધી આશ્રમની તમામ પ્રવૃત્તિઓ વર્તમાન મહંતના નેતૃત્વમાં કોઈ પણ અવરોધ વગર ચાલુ રહેશે, જેનાથી સરહદી વિસ્તારના શ્રદ્ધાળુઓ અને રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

