Mithapur, તા.9
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ દલસુખ સોલંકી, રમેશ દલસુખ સોલંકી, શ્યામ રામુ સોલંકી, અશોક ગોવિંદ ચારોડીયા અને કિશોર મનજી સોલંકી નામના પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 52,520ની રોકડ રકમ તથા રૂપિયા 8,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 60,520 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુ:ખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરીને તેમને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે બેફામ માર મારી ઈજાઓ કર્યાની તથા ગાળો કાઢી તેમને તથા સાહેદ યાસ્મીનબેનને ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
માર મારવા સબબ ફરિયાદ
દ્વારકામાં રહેતા સબાના સબીર ગુલામ ભેસલીયા નામના 24 વર્ષના મહિલા તેમના ઘરે હતા, ત્યારે જાકુબ હુસેન ભેસલીયા, જુમા હુસેન ભેસલીયા, હારુન જુમા, રેશમા રજાક અને યાસ્મીન જુમા ભેસલીયાએ બિભત્સ ગાળો કાઢી, છરીનો ઘા મારીને ઈજાઓ કર્યાની તથા તેમની સાથે સાહેદ સકીનાબેન તથા ફરિયાદી સબાનાબેનના નાના બહેનને પણ માર મારતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે બે મહિલાઓ સહિતમાં પાંચ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
દારૂ સાથે બે ઝબ્બે
ખંભાળિયાના શક્તિ નગર વિસ્તારમાં રહેતા ચંદુ રવજી ઘેડીયા નામના 49 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 7,800 ની કિંમતની વિદેશી દારૂની 6 બોટલ સાથે તથા ઓખા મંડળના મીઠાપુર તાબેના ગઢેચી વિસ્તારમાં રહેતા એભાભા મંગાભા સુમણીયા (ઉ.વ. 29) ને પોલીસે રૂપિયા 3,000 ની કિંમતની વિદેશી દારૂની 10 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
છ જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામેથી પોલીસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નાગા રામશી ચાવડા, દેવરામ ઉર્ફે ભગત ડાયા ડાભી, હિતેન્દ્રસિંહ ઈન્દુભા જાડેજા, ભરત કરસન રાઠોડ, હરદેવસિંહ ભીખુભા જાડેજા અને દિલીપ અશોક રાઠોડને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,540 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

