Morbi, તા.9
મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-1 માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા (35)એ હાલમાં આસીફભાઇ હુશેનભાઇ સુમરા, અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા અને સલમાબેન હુસેનભાઈ સુમરા રહે. બધા જ વીસીપરા ચાર ગોદામ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.
અગાઉ તેને સલમાબેન સાથે માથાકૂટ થઈ હતી જે બાબતે સમાધાન કરવા માટે આશિફભાઈ અને અરબાઝભાઈએ ફરિયાદીને બોલાવ્યો હતો જેથી તે ચાર ગોદામ પાસે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને પીઠના ભાગે લોખંડના પાઇપ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી તેમજ બંને પગ ઉપર લોખંડના પાઇપ મારવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇમરાન હનીફભાઈ (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
છરી-ધોકા વડે મારમાર્યો
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક મારામારીના બનાવમાં પિયુષ બાબુભાઈ કુંવરિયા (40) નામના યુવાનને છરી અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
જુગાર
મોરબીના વજેપર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રફીકશા નથુશા શાહમદાર (36) રહે. મકરાણીવાસ મોરબી અને સાહિલભાઈ યુસુફભાઈ ભાણુ (26) રહે. વાઘપરને 2700 રૂપિયાની રોકડ સાથે તેને ઝડપી લીધા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
કારમાં નુકશાનની ફરિયાદ
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ રાજપથ સીએસ્ટા ખાતે રહેતા હિમાંશુભાઈ જગદીશભાઈ વિરોજા (25)એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 6061 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાહ વલીના દરગાહના પાટીયા પાસેથી તેઓ પોતાની આઈ 10 કાર નંબર જીજે 36 એફ 3019 લઈને જઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેઓની કારમાં બોલેરો ગાડી અથડાવી હતી જેથી અને ફરિયાદીની કારમાં નુકસાની થઈ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા જાડેજા મહાવીરસિંહ રવુભા (30)નું બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા.
ફિનાઇલ પી લેતા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રણજિત પૂર્ણચંદ્ર નામના વ્યક્તિએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા.

