Gandhinagar,તા.૯
ગુજરાત વિધાન સભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે બજેટ સત્રનો અગ્યારમો દિવસ છે. આજે ગૃહની શરૂઆત પ્રશ્નોતરી દ્વારા થઈ હતી. પ્રશ્નોતરી દરમિયાન આજે ગુજરાત એસટી નિગમને લઈને સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી)ના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આજે વિધાનસભાના ગૃહમાં નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ (જીતુ ભગત) દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવી બસો ખરીદવા માટે કેટલી સહાય આપવામાં આવે છે. જેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવી બસો ખરીદવા માટે ખાસ મૂડીકૃત સહાય આપવામાં આવે છે.
તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં ૦૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન સરકાર દ્વારા ૭૩૫.૮૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૫માં ૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન નવી બસોની ખરીદી માટે ૭૧૦.૦૦ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આમ, છેલ્લા બે વર્ષમાં કુલ ૧૪૪૫.૮૮ કરોડ રૂપિયાની માતબર સહાય એસ.ટી. નિગમને નવા વાહનો વસાવવા માટે પૂરી પાડવામાં આવી છે.
આ ફાળવણીને કારણે રાજ્યભરમાં એસ.ટી. બસોના કાફલામાં નવી અને આધુનિક બસોનો ઉમેરો થયો છે. જે મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે, તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આમ ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવી બસની ખરીદી માટે બે વર્ષમાં ૧૪૪૫.૮૮ કરોડ રૂપિયાની માતબર સહાય પૂરી પાડવા આવી છે.
આ ઉપરાંત આજે વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગૃહમાં ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોને લઈને કરવામાં આવેલા સવાલનો જવાબ આદિવાસી વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૭૨ ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો સ્ક્રૂટિની કમિટી દ્વારા રદ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ના નિયમો અમલમાં આવ્યા બાદ છેલ્લા બે વર્ષમાં થયેલી કાર્યવાહી અંગે વર્ષ પ્રમાણે આંકડાકીય માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૭૯ પ્રમાણપત્રો રદ થયા છે. જ્યારે વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૯૩ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.

