New Delhi, તા.11
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં 13 વર્ષથી કોમામાં રહેલા એક વ્યક્તિને દયા મૃત્યુની મંજુરી આપી છે. જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ કે.એચ.વિશ્વનાથનની ખંડપીઠે હરિશ રાણા નામના વ્યક્તિની શારીરિક હાલત અંગે દિલ્હીની ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સનો રિપોર્ટ મંગાવ્યો હતો.
તેમાં રાણાના સ્વસ્થ થવા અંગે કોઈ આશા નહી હોવાનું તારણ આપતા જ સુપ્રીમ કોર્ટે તેને પેસીવ યુથેનેશીયા એટલે કે ગરીમાપૂર્ણ મૃત્યુની મંજુરી આપી છે. હરીશ છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે અને તે કોમામાં છે. છેલ્લી સુનાવણી સમયે સુપ્રીમકોર્ટે તેમના કુટુંબીજનો સાથે પણ વાત કરી હતી અને 100 ટકા દિવ્યાંગતાનો શિકાર બનેલા હરિશ રાણાના માતા-પિતાએ જ તેના પુત્રને દયા મૃત્યુ આપવાની માંગ કરી હતી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ એક બેહદ દુઃખદ ચુકાદો છે અને તે લખવામાં પણ અમને મુશ્કેલી પડી રહી છે પરંતુ આ છોકરાને અમે અપાર દુઃખમાં રાખી શકીએ નહી અને તેથી તેને દયા મૃત્યુની મંજુરી આપીએ છીએ.
2013માં હરીશ ચંદીગઢમાં રહીને અભ્યાસ કરતો હતો તે સમયે તે હોસ્ટેલના ચોથા માળથી અચાનક જ નીચે પડયો હતો અને માથામાં ગંભીર ઈજા થઈ હતી તથા શરીરમાં પણ અનેક ઘા લાગ્યા હતા અને ત્યારથી તે અચેત અવસ્થામાં છે અને 100 ટકા દિવ્યાંગતાનો શિકાર બનેલા છે. સતત પથારીમાં પડયા રહેવાથી તેના શરીરમાં અનેક પ્રકારના ઘાવ પણ ઉંડા બની ગયા છે.
એઈમ્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે, હરીશને સ્વસ્થ કરી શકાય તેવી કોઈ શકયતા નથી. હરીશના માતા-પિતાએ બાદમાં દયા મૃત્યુ માટેની અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 13 વર્ષથી અમે તેની સારવાર માટેની તમામ શકયતાઓ ચકાસી છે અને તમામ સ્થળોથી અમોને એક જ જવાબ મળ્યો છે. જે એઈમ્સના રિપોર્ટમાં પણ સામેલ છે.
આમ હરીશ માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સારવારના નામે તેને પીળા સહન કરવા દેવી તે માનવતાની વિરુદ્ધ છે અને તમામ કાનુની પ્રક્રિયા પણ અમે અહી બંધ કરીએ છીએ. હોસ્પીટલ સૂત્રોના જણાવ્યા મુજબ હરીશને જે રીતે લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રખાયો છે તે સીસ્ટમ હવે ચુકાદો લેખીતમાં હોસ્પીટલતંત્રને મળતા તે સીસ્ટમ બંધ કરી દેવાશે.
સર્વોચ્ચ અદાલત એ આજે આ ચુકાદો આપતા સમયે પણ અત્યંત માનવીય અભિગમ અપનાવ્યો હતો. જસ્ટીસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે લખ્યું કે અમે આ વ્યક્તિને સતત પીડામાં રહેવા દઈ શકીએ નહી. તબીબી સારવારના તમામ દરવાજા બંધ થઈ ગયા છે અને હવે તેને કૃત્રિમ સપોર્ટ પર જીવિત રાખવો એ માનવતા વિરુદ્ધ ગણાશે.
અમારા માટે પણ આ નિર્ણય અત્યંત દુઃખદ છે અને લખતા પણ પીડા થાય છે છતાં પણ આ કેસમાં જે કલીનીકલી આસીસ્ટેડ મૃત્યુ છે તેને મંજુરી અપાઈ છે અને દર્દીના શ્રેષ્ઠ હીતમાં છે તે પણ સાબીત થાય છે. દર્દીને વ્યક્તિગત નહી પણ મેડીકલ ઈન્ટરવેશન મારફત જ સારવાર મળી શકે છે તેનો અર્થ છે કે હવે મેડીકલ ઈફેકટના સિદ્ધાંતમાં અદાલતે હસ્તક્ષેપ કરવો જરૂરી છે અને અમે તે સ્વીકાર્ય ગણીએ છીએ.
જસ્ટીસ કે.બી.પારડીવાલાએ પોતાનો ચુકાદો લખતા સમયે કહ્યું કે `હોના યા ન હોના’ આ નિર્ણય હવે મરવાના અધિકારના સંદર્ભમાં અમને માર્ગ દેખાડે છે. તેઓએ કહ્યું કે અદાલત સામે જીવન વિરુદ્ધ ગરીમાનો પ્રશ્ન છે. ભગવાન કોઈને પૂછતો નથી કે શું તે જીવન સ્વીકાર કરે છે તમારે તે અવશ્ય સ્વીકારી લેવુ જોઈએ. આ પંક્તિ અત્યંત મહત્વની છે અને જયારે ન્યાયાલય પૂછે છે કે કંઈ વ્યક્તિને જન્મનો અધિકાર હોવો જોઈએ.
ભારતમાં પેસીવ યુથેનેશિયાને નકારાત્મક-દયા મૃત્યુ અથવા તો અપ્રત્યક્ષ દયા મૃત્યુ તરીકે ગણાવાય છે જેનો સરળ શબ્દમાં અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ જે મૃત્યુ પામી રહ્યો હોય તેને બચાવવા માટે સારવાર અથવા તો લાઈફ સપોર્ટ સીસ્ટમ જેમાં વેન્ટીલેટર અને ફીડીંગ ટયુબ જે તેનામાં ગોઠવાઈ હોય છે તેને રોકી દેવી અથવા હટાવી લેવી જેનાથી તે વ્યક્તિનું પ્રાકૃતિક રીતે મૃત્યુ થાય છે.
જો કે એકટીવ યુથેનેશિયાથી તે અલગ છે જેમાં સક્રીય દયા મૃત્યુ એટલે કે દર્દી પોતે મૃત્યુ ઈચ્છે છે તેવું જણાવીને તેને કોઈ ઝેરી ઈન્જેકશન કે દવા દઈને મૃત્યુ અપાય, ભારતમાં જો કે તે કાનુની નથી. 2018માં પેસીવ યુથેનેશિયાના કાનુન બનાવાયો હતો.
જેમાં પણ નિયમો છે એટલે કે વ્યક્તિ સ્વસ્થ હોય તો તે લેખીતમાં આપી શકે છે. પરંતુ જો તે તેમ ન કરી શકે તો મેડીકલ રિપોર્ટ મંગાવાય છે. ડોકટરોની એક પેનલ નિશ્ચિત કરે છે કેતે વ્યક્તિના સારવારથી તેનું જીવન સ્વસ્થ થાય તે શકય છે કે નહી અને તેના આધારે મૃત્યુની મંજુરી અપાઈ છે અથવા તો અરજી ફગાવાઈ છે.

