Morbi, તા.13
વર્તમાન સમયમાં મોંઘવારી વધી રહી છે ત્યારે સામાન્ય પરિવારના લોકોના ઘરના બજેટ વિખાઈ ગયા છે જેથી મોંઘવારીને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ મોરબીમાં શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા
જિલ્લા મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજનની આગેવાની હેઠળ બુધવારે શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધીની રેલી યોજવામાં આવી હતી.
ત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસની સરકાર હતી ત્યારે 300થી 400 રૂપિયામાં ઘરના રાંધણ ગેસના બાટલા મળતા હતા જે આજની તારીખે 900 રૂપિયાને પાર થઈ ગયા છે અને આ ઉપરાંત ઘર વખરીની તથા જીવન જરૂરિયાતથી દરેક વસ્તુઓમાં વધારો કરવામાં આવેલ છે. જેથી સામાન્ય લોકોના ઘરના બજેટ વીખાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા મહિલા પ્રમુખએ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસની કેન્દ્રમાં સત્તા હતી ત્યારે ભાજપના સ્મૃતિ ઈરાની સહિતના મહિલા આગેવાનો ગેસના બાટલા લઈને વિરોધ કરતા હતા પરંતુ આજે 900 રૂપિયા જેવો ભાવ એક ગેસના બાટલાનો થઈ ગયો છે છતાં પણ ભાજપ દ્વારા મોંઘવારીને લઈને કશું બોલવામાં આવતું નથી.
અને સામાન્ય લોકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ બની ગયા છે જેથી સરકાર દ્વારા મોંઘવારીને ઘટાડવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ તકે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ હાજર રહી હતી.

