Gandhinagar, તા.24
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે જ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ નવરચિત કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખે પક્ષના સંગઠનની ક્ષમતા અને ભવિષ્ય અંગે વિશ્ર્વાસ વ્યકત કરતા જણાવ્યું કે ભાજપની ખરી તાકાત તેના બુથ સ્તર સુધીના કાર્યકર્તાની છે અને આપણે તે તાકાતને આધારે આજે દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ અને કેન્દ્રથી લઇ દેશમાં ર1 રાજયોમાં શાસન પર છીએ પરંતુ શાસન નહીં લોકસવા એ આપણો ધ્યેય છે.
કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈવિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં શહીદ દિવસ નિમિતે ક્રાંતિવીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય લોકશાહીના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી નવો કીર્તિમાન સ્થાપ્યો હોય તે બદલ અભિનંદન પાઠવાયા હતા.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે 6 એપ્રિલ, 1980ના રોજ સ્થાપિત ભારતીય જનતા પાર્ટી આજે એક વટવૃક્ષ સમાન બની ગઈ છે.
‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે કાર્યરત આ સંગઠન માત્ર એક રાજકીય પાર્ટી નહિ પરંતુ એક વિચારધારા છે. ડો. શ્યામા પ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારોને આધારે પાર્ટી છેવાડાના માનવી સુધી જનકલ્યાણ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપનું લક્ષ્ય એવાં લોકશાહી રાજ્યની રચના કરવાનો છે જેમાં જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના દરેક નાગરિકને ન્યાય અને સમાન તક મળે. સંગઠન ભાજપાનો આત્મા છે અને કાર્યકર્તા તેની શક્તિ છે. બૂથ સ્તર સુધીની મજબૂત રચના ભાજપની અજેય શક્તિનું રહસ્ય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતાની પરિસ્થિતિ વચ્ચે પણ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. વિદેશમાં રહેલા હજારો ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની કામગીરી દેશની ક્ષમતાનું પ્રતિબિંબ છે. તેમણે નાગરિકોને પેટ્રોલ-ડીઝલ અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યને દેશમાં અને દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં મૂકવાનું કામ કર્યું. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનહિતમાં કરેલા નિર્ણયોને જન જન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે નજીકના સમયમાં ગુજરાત યુ.સી.સી. લાગું કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગત પરિણામ કરતા પણ રેકોર્ડ બ્રેક પરિણામો મળે તે માટે સામૂહિક સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે 29 એપ્રિલે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાશે. 5 એપ્રિલે ઘર-ઘર મહાસંપર્ક અભિયાન તથા 6 એપ્રિલે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. યુવા મોરચા દ્વારા વરિષ્ઠ પદાધિકારીઓના નિવાસસ્થાને ધ્વજારોહણ કરવામાં આવશે.
બેઠક દરમિયાન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અન્ય આગેવાનો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી.
આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચૂંટણી સમિતિ અને શિસ્ત સમિતિની રચના માટે પ્રદેશ અધ્યક્ષને સત્તા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને
સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં સ્વાગત પ્રવચન ડો. પ્રશાંતભાઈ કોરાટ, સંચાલન અજયભાઈ બ્રહ્મભટ્ટ અને આભાર વિધિ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં અનિરુદ્ધભાઈ દવે સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

