Una, તા.25
ગુજરાત સરકારના મત્સ્ય સંઘ – GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
જોકે, તાજેતર માં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 22.43 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ મંત્રી ધારાસભ્ય ઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની આ વાજબી રજૂઆતને સ્વીકારી છે.
જેના પરિણામે, કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.આ સફળ રજૂઆત અને ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

